બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં નરમાઈ છતાં એશિયન બજારોમાં બાઉન્સ
યુએસ બજારોમાં મંગળવારે બે ટકાના ઘટાડા વચ્ચે એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 652 પોઈન્ટ્સ ગગડી 34484ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 245 પોઈન્ટ્સ તૂટી 15538ની સપાટી પર બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોએ ગયા સપ્તાહથી લઈ મંગળવાર સુધી અવિરત ઘટાડો નોંધાવ્યો હતો અને તેથી બુધવારે તેઓ બાઉન્સ દર્શાવી રહ્યાં છે. જેમાં સિંગાપુર અને હોંગ કોંગના બજારો 1.5 ટકાથી વધુ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. કોરિયન બજાર 1.64 ટકા સુધારો દર્શાવે છે. જાપાન, તાઈવાન અને ચીન પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 92 પોઈન્ટ્સ સુધારા સાથે 17166ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે છેલ્લાં કેટલાંક સત્રોથી બજારમાં તીવ્ર વોલેટિલિટીને કારણે માર્કેટમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. નિફ્ટી માટે 16800નું સ્તર મહત્વનો સપોર્ટ છે. જ્યારે 17200નો અવરોધ છે.
ક્રૂડમાં કડાકા બાદ સ્થિરતા
મંગળવારે વૈશ્વિક ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 6 ટકાથી વધુ ગગડી 70 ડોલર નીચે ઉતરી ગયો હતો. જોકે આજે સવારે તે એક ટકા સુધારા સાથે 70.94 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ તેણે 70 ડોલર પર સપોર્ટ મેળવ્યો છે. છેલ્લાં 10 ટ્રેડિંગ સત્રોમાં ક્રૂડના ભાવમાં લગભગ 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે નવા કોવિડ વેરિઅન્ટના ગભરાટમાં ક્રૂડ સહિતના એસેટ ક્લાસિસમાં વેચવાલી જોવા મળી હતી.
ફેડની કોમેન્ટ પાછળ ગોલ્ડ ગગડ્યું ને પરત ફર્યું
ફેડ ચેરમેને ટેપરિંગને ઝડપી બનાવવાની તથા રેટ વૃદ્ધિ અંગે પોઝીટીવ વલણ અપનાવવાનું જણાવતાં વૈશ્વિક બજારમાં ગોલ્ડ ગગડીને 1770 ડોલર સુધી ટ્રેડ થયું હતું. જોકે આજે સવારે સાધારણ સુધારા સાથે તે 1779 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ફેડની કોમેન્ટ સૂચવે છે કે નવા વેરિઅન્ટ વચ્ચે પણ ફેડનું હોકિશ વલણ જળવાયેલું રહેવાની શક્યતાં છે. જે વૈશ્વિક બજારોમાંથી લાંબાગાળે લિક્વિડિટીને અંકુશમાં રાખશે.
મહત્વની હેડલાઈન્સ
• એનટીપીસીની પેટાકંપની ભારતીય રેઈલ બિજલી કંપનીના નબીનગર થર્મલ પાવર પ્રોજેક્ટના 250 મેગાવોટ ક્ષમતા સાથેના યુનિટ-4એ કમર્સિયલ ઓપરેશન શરૂ કર્યું છે.
• રેઈલ વિકાસ નિગમે કિગ્રિઝમાં રેલ્વે કોરિડોર પ્રોજેક્ટ્સના વિકાસ માટે કિર્ગિઝ રિપબ્લિકની ઈકોનોમિક પોલિસિ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ સાથે એમઓયુ સાઈન કર્યાં છે.
• પીટીસી ઈન્ડસ્ટ્રીઝે એરોસ્પેસ એપ્લિકેશન્સ માટે ટાઈટેનિયમ અને નીકલ સુપર એલોય કાસ્ટિંગ્સના ઉત્પાદન માટે ઈન્ટરનેશનલ સર્ટિફિકેશન મેળવ્યું છે.
• સરકારે ફર્ટિલાઈઝર સબસિડિને બમણી કરવાનો નિર્ણય લીધો છે.
• ફિલિપ કાર્બનમાં પ્રમોટર સ્ટીલ હોલ્ડિંગે 30 નવેમ્બરે 5 લાખ શેર્સની ખરીદી કરી છે.
• માન ઈન્ફ્રા પરાગ શાહે 29 નવેમ્બરે કંપનીના 1.5 લાખ શેર્સ ખરીદ્યાં છે.
• ટીસીએસે એડબલ્યુએસ માટે એસેસમેન્ટ એન્ડ માઈગ્રેશન ફેક્ટરી રજૂ કરી છે.
• એચડીએફસી અને બજાજ ફાઈનાન્સે લોંગ ટર્મ માટેની ટર્મ ડિપોઝીટ્સ પર ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિ કરી છે.
• દિલ્હી ખાતે એવીએશન જેટ ફ્યુઅલના ભાવમાં પ્રતિ કિલોલિટર રૂ. 3302.25નો ઘટાડો કરવામાં આવ્યો છે અને તે રૂ. 77532.79 કરવામાં આવ્યો છે.
• એનએમડીસીએ લમ્પ ઓરના ભાવ રૂ. 5200 પ્રતિ ટન પર ફિક્સ કર્યાં છે.
• ઈન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજિસ(એશિયા)એ એનએસઈ પરથી ઈપ્કા લેબના પ્રતિ શેર રૂ. 2103.52ના ભાવે 25,46,497 શેર્સ ખરીદ્યાં છે.
• ઈન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજિસ(એશિયા)એ આરઈસીના 2.18 કરોડ શેર્સની ખરીદી કરી છે. તેણે રૂ. 134.46 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
• તાલબ્રોસ ઓટોમોટીવઃ વિજય કેડિયાએ પ્રતિ શેર રૂ. 337.48ના ભાવે 2.05 લાખ શેર્સની ખરીદી કરી છે.
Market Opening 1 Dec 2021
December 01, 2021