બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
પોઝીટીવ ટ્રિગર્સના અભાવે બજાર પર મંદીવાળાઓનો અંકુશ, નિફ્ટી 18kની નીચે
ઓટો અને આઈટી સિવાય અન્ય સેક્ટરલ સૂચકાંકોમાં નરમાઈ જોવા મળી
મારુતિ, એમએન્ડએમ, ભારત ફોર્જ, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ પાછળ નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળ્યો
બ્રોડ માર્કેટમાં 50-50 જોવા મળ્યું, 1729 કાઉન્ટર્સમાં ઘટાડા સામે 1602 કાઉન્ટર્સમાં સુધારો નોઁધાયો
ભારતીય શેરબજારમાં એકાંતરે દિવસે મંદીવાળાઓ હાવી બનતાં જોવા મળે છે. સોમવારે સાધારણ પોઝીટીવ ઓપનીંગ બાદ મંગળવારે મંદીવાળાઓએ ફરી બજાર પર પકડ મજબૂત બનાવી હતી અને બેન્ચમાર્ક્સ અડધા ટકાથી વધુ ઘટીને બંધ રહ્યાં હતાં. જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 396.34 પોઈન્ટસ ગગડી 60322.37ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 110.25 પોઈન્ટ્સના ઘટાડે 17999.20ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તેણે ફરી 18 હજારની સપાટી ગુમાવી હતી. તેનું સતત 18 હજાર નીચે ઉતરી જવું બેન્ચમાર્કમાં આગામી સમયગાળામાં વધુ નરમાઈના સંકેત તરીકે જોવાઈ રહ્યું છે.
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારની કામગીરીની શરૂઆત સાધારણ પોઝીટીવ રહી હતી. જોકે તે તરત જ રેડ ઝોનમાં સરી પડ્યું હતું અને ત્યારબાદ સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. સત્ર પુરું થવાના દોઢેક કલાક અગાઉ જોકે તેણે સતત ઘટાડો દર્શાવ્યો હતો અને કામકાજના અંતે દિવસના તળિયા નજીક જ બંધ આપ્યું હતું. નિફ્ટીના 50માંથી 36 ઘટક શેર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. માત્ર 14માં સુધારો જોવા મળ્યો હતો. જેમાં અગ્રણી ચાર કંપનીઓ ઓટોમોબાઈલ ક્ષેત્રની હતી. જ્યારે તે સિવાય આઈટી, એનબીએફસી, મેટલ અને કેપિટલ ગુડ્ઝ કંપનીઓમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટોમોબાઈલ ઈન્ડેક્સે 2.48 ટકા સાથે છેલ્લાં ઘણા દિવસોનો સૌથી સારો દેખાવ દર્શાવ્યો હતો. સાથે તેણે 12079ની વાર્ષિક ટોચ દર્શાવ હતી. ઓટો સેગમેન્ટમાં અગ્રણી કાર ઉત્પાદક મારુતિનો શેર 7.29 ટકા ઉછળી રૂ. 8050.35ના સ્તરે બંધ રહ્યો હતો. લગભગ 10 મહિના બાદ મારુતિનો શેર રૂ. 8 હજારની સપાટી પર ફરી જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર પણ 3.44 ટકા ઉછળી રૂ. 960.30ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં તેણે 15 ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો છે. ભારત ફોર્જ, ટાટા મોટર્સ અને હિરો મોટોકોર્પ જેવા ઓટો કાઉન્ટર્સ પણ 2 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે અશોક લેલેન્ડમાં 3.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આઈટી ક્ષેત્રે સતત બીજા દિવસે સુધારો જાળવી રાખ્યો હતો. જેમાં કોફોર્જમાં 4 ટકા સાથે સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. એ સિવાય એલએન્ડટી ઈન્ફોટેક, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, માઈન્ડટ્રી, વિપ્રો અને ઈન્ફોસિસ જેવા કાઉન્ટર્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
ઘટાડો દર્શાવવામાં નિફ્ટી પીએસયૂ બેંક બીજા દિવસે અગ્રણી હતો. ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં યુનિયન બેંક, જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક, કેનેરા બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 1.34 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. એચપીસીએલમાં 4 ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 2.32 ટકાના ઘટાડા પાછળ તે ગગડ્યો હતો. પીએસઈ ઈન્ડેક્સ 0.9 ટકા નરમાઈ સૂચવી રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ પ્રમાણમાં સારી હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.27 ટકાના સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી સ્મોલ-કેપમાં 0.50 ટકાનો સુધારો નોંધાયો હતો. બીએસઈ ખાતે 3474 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1602 સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1729 કાઉન્ટર્સ ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. જોકે અપર સર્કિટ્સમાં બંધ રહેનારા કાઉન્ટર્સની સંખ્યા 362 પર હતી. જ્યારે 240 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 190 સ્ટોક્સ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ પર જ્યારે 40 કાઉન્ટર્સ વાર્ષિક તળિયા પર જોવા મળ્યાં હતાં.
બેંક્સ 22 કંપનીઓની રૂ. 90 હજાર કરોડની NPAsનું NARCLને વેચાણ કરશે
પ્રથમ તબક્કામાં વિડિયોકોન ઓઈલ વેન્ચર્સ, એમટેક ઓટો, રિલાયન્સ નાવલ, જયપી ઈન્ફ્રાટેક સહિતની કંપનીઓની એનપીએ વેચવામાં આવશે
બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ બેંક્સ પ્રથમ તબક્કામાં 22 જેટલી કંપનીઓની મોટી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(એનપીએ)નું વેચાણ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(એનએઆરસીએલ)ને કરશે. આવી એનપીએમાં વિડિયોકોન ઓઈલ વેન્ચર્સ, એમટેક ઓટો, રિલાયન્સ નાવલ, લવાસા કોર્પોરેશન, જયપી ઈન્ફ્રાટેક અને કાસ્ટેક્સ ટેક્નોલોજિસ જેવી કંપનીઓની એનપીએનો સમાવેશ થાય છે.
અગાઉ આ કંપનીઓને ડેટ રેઝોલ્યુશન માટે ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સી કોડ 2016 હેઠળ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી) સમક્ષ લઈ જવામાં આવી હતી. જોકે એનસીએલટીમાં લાંબી કાયદાકીય લડાઈને કારણે આ એનપીએ એકાઉન્ટ્સના ઉકેલમાં લાંબા વિલંબને જોતાં લેન્ડર્સ તેમને એનએઆરસીએલમાં વેચાણ કરવાનું વિચારી રહ્યાં છે. એનએઆરસીએલની રચના તાજેતરમાં વિવિધ બેંક્સ દ્વારા કરવામાં આવી છે. જેનો હેતુ સ્ટ્રેસ્ડ એસેટ્સને એક જગ્યાએ એકઠી કરી પાછળથી તેના ઉકેલનો છે. એનએઆરસીએલને પ્રથમ તબક્કાના વેચાણમાં બેંકો રૂ. 90 હજાર કરોડના ડેટનું વેચાણ કરશે.
વર્તુળોના જણાવ્યા મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિડિયોકોન ઓઈલ વેન્ચર્સમાં તેની રૂ. 22532 કરોડની બેડ લોન્સનું વેચાણ કરવાનું આયોજન કરી રહી છે. જ્યારે યુનિયન બેંક એમટેક ઓટોમાં તેના રૂ. 9 હજાર કરોડના એક્સપોઝરનું વેચાણ કરશે. આઈડીબીઆઈ બેંક રિલાયન્સ નાવલ એન્ડ એન્જિનીયરીંગમાં રૂ. 8934 કરોડની બેડ લોન્સ વેચશે. યુનિયન બેંક લવાસા કોર્પોરેશનના રૂ. 1400 કરોડના ડેટને પણ એનએઆરસીએલને ટ્રાન્સફર કરશે. વર્તુળો જણાવે છે કે જ્યારે વિડિયોકોન ઓઈલ વેન્ચર્સના ડેટ રેઝોલ્યુશન વખતે બેંકર્સને સારી ઓફર્સ મળી નહોતી. આ ઉપરાંત વિડિયોકોન ઓઈલની પેરન્ટ કંપની વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના ડેટ રેઝોલ્યુશનને કારણે પણ તેના પર પ્રતિકૂળ અસર ઊભી થઈ હતી. રિલાયન્સ નાવલના કેસમાં મુંબઈ સ્થિત હેઝલ મર્કેન્ટાઈલ તરફથી બેંક્સને રૂ. 2100 કરોડની ઓફર મળી હતી. જ્યારે નવીન જીંદાલ ગ્રૂપ તરફથી રૂ. 400 કરોડની અન્ય ઓફર મળી હતી. લવાસાને લઈને બે ઓફર્સ મળી છે. જોકે લેન્ડર્સ તેને લઈને હજુ કોઈ નિર્ણય લઈ શક્યાં નથી. આ બે ઓફર્સમાં એક ધીર હોટેલ્સ તરફથી અને બીજી ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી મળી છે.
એનએઆરસીએલે ઓક્ટોબરમાં બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) તરફથી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની તરીકે કામગીરી માટેનું લાયસન્સ મેળવ્યું હતું. તે આગામી માર્ચ મહિનાથી કામગીરીની શરૂઆત કરે તેવી શક્યતા છે. એનએઆરસીએલ આ એકાઉન્ટ્સને 15 ટકા અપફ્રન્ટ ચૂકવણું કરીને ખરીદશે. જ્યારે બાકીની રકમ સિક્યૂરિટી રિસિપ્ટ્સ મારફતે ચૂકવશે. કેન્દ્ર સરકાર એનએઆરસીએલે ઈસ્યુ કરેલી સિક્યૂરિટી રિસિપ્ટ્સ પર રૂ. 30600 કરોડ સુધી ગેરંટી આપશે. જે પાંચ વર્ષો સુધી માન્ય રહેશે.
બેંક્સ દ્વારા ડેટનું વેચાણ
કંપની બેંક્સનું એક્સપોઝર(રૂ. કરોડમાં)
વિડિયોકોન ઓઈલ વેન્ચર્સ 22532
એમટેક ઓટો 9014
રિલાયન્સ નાવલ 8934
જયપી ઈન્ફ્રાટેક 7950
કાસ્ટેક્સ ટેક્નોલોજિસ 6337
વૈશ્વિક સ્તરે મજબૂતી પાછળ રૂ. 50 હજાર તરફ સોનાની ગતિ
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં પણ સોનુ ટૂંકમાં રૂ. 50 હજારની સપાટી દર્શાવે તેવી શક્યતા જોવા મળી રહી છે. મંગળવારે સતત બીજા દિવસે એમસીએક્સ ખાતે સોનુ મજબૂતી દર્શાવી રહ્યું હતું. ડિસેમ્બર ગોલ્ડ વાયદો રૂ. 250થી વધુ મજબૂતી સાથે રૂ. 49560ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જે મે મહિના પછીની તેની સર્વોચ્ચ સપાટી હતી. વૈશ્વિક બજારમાં સોનું 10 ડોલર મજબૂતી સાથે 1877 ડોલરની છ મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું. આમ છેલ્લા એક સપ્તાહમાં તે 70 ડોલરની મજબૂતી સૂચવતું હતું. ચાંદીમાં પણ ખરીદી જોવા મળી હતી. એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 450ના સુધારે રૂ. 67 હજારની સપાટી પાર કરી ગયો હતો
NCLTએ ઝી-ઈન્વેસ્કો કેસની સુનાવણી 14 ડિસે. પર મોકૂફ રાખી
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઝી-ઈન્વેસ્કો કેસમાં સુનાવણીને 14 ડિસેમ્બર સુધી મોકૂફ રાખી છે. એનસેલટીની મુંબઈ બેંચે જણાવ્યું હતું કે બોમ્બે હાઈ કોર્ટ અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં ફાઈલ કરવામાં આવેલી અપીલ્સને જોતાં આ મેટરને વધુ સુનાવણી માટે 14 ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવે છે. બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેંચ ઝી-ઈન્વેસ્કો કેસ પર 29 નવેમ્બરે તથા એનસીએલએટી આ મુદ્દે 6 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવાની છે. ઝીના સૌથી મોટા શેરધારકો ઈન્વેસ્કો અને ઓએફઆઈ ગ્લોબલે 28 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેંચનો સંપર્ક કર્યો હતો. બંને રોકાણકારો ઝીના બોર્ડમાં મોટાભાગના ડિરેક્ટર્સને દૂર કરવા માટે કંપનીની વિશેષ જનરલ મિટિંગ બોલાવવાની માગણી કરી રહ્યાં છે.
પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઈઝમાં ઘટાડાનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે
દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ અને ડિઝલમાં અનુક્રમે પ્રતિ લિટર રૂ. 10 તથા રૂ. 4ના એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાને કારણે આવકમાં થનારા નુકસાનનો ભાર સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર ઉઠાવશે એમ નાણા વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. નાણા સચિવ ટી વી સોમનાથને જણાવ્યું હતું કે પેટ્રોલ પર રૂ. 10નો ડ્યૂટી ઘટાડો તથા ડિઝલ પર રૂ. 5નો ડ્યુટી ઘટાડો સંપૂર્ણપણે કેન્દ્ર સરકારને રહેશે. આ ડ્યુટી ઘટાડાને કારણે રાજ્યોના હિસ્સાની આવકમાં કોઈ ઘટાડો નહિ થાય. તેમણે જણાવ્યું હતું કે સરકારની આવકમાં એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાને થનારા નુકસાનની કોઈ અસર રાજ્યોની આવક પર નહિ પડે. તેમણે નીચા ડિવોલ્યુશનના ડરને નકાર્યો હતો. હાલમાં સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતાં ટેક્સનો 41 ટકા હિસ્સો રાજ્યોને 14 હપ્તાઓમાં વિતરીત કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે 4 નવેમ્બરે પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જેને અનુસરતાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ ઈંધણ પરના વેલ્યૂ એડેડ ટેક્સમાં ઘટાડો કર્યો હતો.
Market Summary 16 Nov 2021
November 16, 2021