બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ 17800નું સ્તર કૂદાવ્યું
બેન્ચમાર્ક નિફ્ટી માટે સપ્ટેમ્બર સિરિઝ તેજીથી ભરપૂર જોવા મળી છે. ગુરુવારે વિકલી એક્સપાયરીના દિવસે નિફ્ટી 276 પોઈન્ટ્સ ઉછળી 17883ના સ્તરે બંધ રહ્યો હતો. બેંકિંગ, પીએસઈ, રિઅલ્ટી સહિત તમામ ક્ષેત્રોએ નિફ્ટીને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. બેન્ચમાર્ક હવે ફરી નવા ઝોનમાં પ્રવેશ્યો છે અને તેથી તેને કોઈ અવરોધ નથી. એનાલિસ્ટ્સ 18200-18500 સુધીના સુધારાની શક્યતાં જોઈ રહ્યાં છે.
રિઅલ્ટી ઈન્ડેક્સ બીજા દિવસે પણ 9 ટકા ઉછળ્યો
રિઅલ એસ્ટેટ શેર્સમાં લાલચોળ તેજી જોવા મળી છે. બે ટ્રેડિંગ સત્રોમાં ઈન્ડેક્સ 17 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. ગુરુવારે તે 8.66 ટકા ઉછળી રૂ. 493.90ના સ્તરે બંધ રહ્યો હતો. તમામ અગ્રણી રિઅલ એસ્ટેટ કાઉન્ટર્સમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જેમાં ઓબેરોય રિઅલ્ટી 13 ટકા ઉછળી રૂ. 847.30ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે ગોદરેજ પ્રોપર્ટીનો શેર 12.72 ટકા ઉછળી રૂ. 2199.30ના સ્તરે બંધ રહ્યો હતો. ડીએલએફનો શેર 8.89 ટકા ઉછળી રૂ. 401.85 પર બંધ રહ્યો હતો. જ્યારે હેમિસ્ફિયર(8 ટકા), સોભા ડેવલપર(7.92 ટકા), ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ(6.16 ટકા), પ્રેસ્ટીજ એસ્ટેટ(5.91 ટકા) અને સનટેક રિઅલ્ટી(5.62 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. ડીએલએફે રૂ. 1 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું.
ઓયો 1.2 અબજ ડોલરના IPO માટે ફાઈલ કરશે
સોફ્ટબેંકનો સપોર્ટ ધરાવતાં ભારતીય હોસ્પિટાલિટી સ્ટાર્ટઅપ ઓટો હોટેલ્સ એન્ડ રુમ્સ આગામી સપ્તાહે 1.2 અબજ ડોલર સુધીના આઈપીઓ માટે ફાઈલ કરે તેવી શક્યતા છે. વર્તુળોના જણાવ્યા મુજબ હોટેલ એગ્રીગેટર દેશના શેરબજારોમાં લિસ્ટીંગ મારફતે 1-1.2 અબજ ડોલર સુધીની રકમ મેળવવાની ઈચ્છા ધરાવે છે. આઈપીઓમાં ફ્રેશ ઈક્વિટી ઉપરાંત વર્તમાન રોકાણકારા ઓફર-ફોર-સેલના હિસ્સાનો સમાવેશ પણ થતો હશે. ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ ઝોમેટો બાદ પેટીએમ, નાયકા તથા ઓલા જેવા સ્ટાર્ટ-અપ્સ બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. તેમાં હવે ઓયો પણ જોડાશે. ઓયોમાં સોફ્ટ બેંક 46 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે. સોફ્ટ બેંક માટે આ એક મોટું રોકાણ છે. કોવિડ દરમિયાન કંપનીએ ઘણા કર્મચારીઓને છૂટાં કરી ખર્ચમાં ઘટાડાની ફરજ પડી હતી.
ફેડની ટિપ્પણી બાદ સોનુ-ચાંદી ગગડ્યાં
યુએસ ફેડ રિઝર્વે બુધવારે રાતે એફઓએમસી બેઠક બાદ ટૂંકમાં જ ટેપરિંગ શરૂ થવાની શક્યતા દર્શાવતાં કિંમતી ધાતુઓમાં વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક કોમેક્સ ખાતે સોનુ તેના અગાઉના બંધની સરખામણીમાં 15 ડોલર જેટલા ઘટાડા સાથે ટ્રેડની શરૂઆત દર્શાવી રહ્યું હતું. નીચામાં 1760 ડોલરના સ્તરે ટ્રેડ થયા બાદ તે સુધરીને 1777 ડોલર પર બોલાયું હતું. જોકે ત્યાંથી ફરી ગગડીને 1770 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 46672ના બંધ સામે નીચામાં રૂ. 46191ના સ્તરે ટ્રેડ થયા બાદ રૂ. 46433ના સ્તરે રૂ. 240ના ઘટાડે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. સોના પાછળ ચાંદી પણરૂ. 400થી વધુનો ઘટાડો દર્શાવતી હતી. એમસીએક્સ ડિસેમ્બર સિલ્વર વાયદો રૂ. 61180ના બંધ સામે રૂ. 60350ના સ્તરે ટ્રેડ થઈ રૂ. 60755 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ, કોપર અને નીકલના ભાવમાં પણ એક ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. જ્યારે ક્રૂડના ભાવ બપોર બાદ સાધારણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. વૈશ્વિક બજારમા બ્રેન્ડ વાયદો 76 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે તેની 6 જુલાઈની 77 ડોલરની ટોચ નજીકનું સ્તર છે.
ઝી લિ.ના શેર્સમાં ઝૂનઝૂનવાલાને નવ સત્રોમાં રૂ. 62 કરોડનો જેકપોટ
14 સપ્ટેમ્બરે રૂ. 220ના ભાવે ખરીદેલા 50 લાખ શેર્સ પર ગુરુવાર સવાર સુધીમાં રૂ. 62.5 કરોડનો
ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં તીવ્ર ઉછાળાને પગલે જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાએ ખૂબ ઓછા સમયગાળામાં રૂ. 60 કરોડથી વધુનો નફો રળ્યો છે. ઝી લિ.માં અગ્રણી રોકાણકાર ઈન્વેસ્કો ઓપનહેમરે કંપનીના સીઈઓ પુનિત ગોએન્કાને દૂર કરવાની માગણી કર્યાં બાદ ઝૂનઝૂનવાલાએ કંપનીમાં 50 લાખ શેર્સની ખરીદી કરી હતી. જેમાં તેમને ગુરુવારે સવાર સુધીમાં રૂ. 62.50 કરોડનો નફો થઈ રહ્યો હતો.
રાકેશ ઝૂનઝૂનવાલાએ 14 સપ્ટેમ્બરે ઝી એન્ટરટેઈનમેન્ટના 50 લાખ શેર્સની રૂ. 220ના બજારભાવે ખરીદી કરી હતી. ગુરુવારે સવારે રૂ. 345ના ભાવે તેમને શેર પર 56.81 ટકાનું જંગી રિટર્ન મળી રહ્યું હતું. જો આને વાર્ષિક દરે ગણીએ તો ઝૂનઝૂનવાલાએ 2303 ટકાનું રિટર્ન રળ્યું છે. તેમની કુલ ખરીદી પર તેમને માત્ર નવ ટ્રેડિંગ સત્રોમાં જ રૂ. 62.50 કરોડ ચોખ્ખા મળી રહ્યાં હતાં. એ વાત ઉલ્લેખનીય છે કે બુધવારે ઝી લિ.નો શેર 32 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો. ઝી લિ.ના બોર્ડે કંપનીને સોની પિક્ચર્સ ઈન્ડિયા સાથે મર્જ કરવાની સર્વાનુમતે મંજૂરી આપ્યાં બાદ શેરના ભાવમાં ટૂંકા સમયગાળામાં બીજો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.
આ પ્રકારની રોકાણની તકો ભાગ્યે જ મળતી હોય છે. જેને ઝડપવા માટે રોકાણકાર પાસે કેલક્યૂલેટેડ રિસ્ક લેવાની ક્ષમતા હોવી જરૂરી છે. ઝૂનઝૂનવાલાએ તેના વર્ષોના અનુભવ બાદ આ આવડત મેળવી છે. માત્ર ઝૂનઝૂનવાલા જ નહિ પરંતુ કેટલાક અન્ય નામી ફંડ મેનેજર્સે પણ 14 સપ્ટેમ્બરે ઝી લિ.ના શેર્સની ખરીદી કરી હતી. જ્યારે બ્રોકરેજ હાઉસિસ સ્ટોકને લઈને પોઝીટીવ બનતાં હવે વધુ સંસ્થાકિય ખરીદી જોવા મળે તેવી શક્યતાં પણ મૂકાઈ રહી છે. સોની પિકચર્સ દ્વારા કંપનીમાં ખૂબ જરૂરી કેપિટલ ઈન્ફ્યૂઝન બાદ ડિજીટલ બિઝનેસને નોંધપાત્ર સહાયતા મળી રહેશે. જો સમગ્રતયા નંબરની વાત કરીએ તો સોની પિક્ચર્સે 2020-21ના નાણા વર્ષમાં રૂ. 582નો નફો રળ્યો હતો. જે અગાઉના વર્ષે રૂ. 896 કરોડની સરખામણીમાં નીચો હતો. જો 2022-23 સુધીમાં તે નંબર ફરી પાછો મેળવવામાં આવશે તો ઝી અને સોનીનો સંયુક્ત નફો રૂ. 2500 કરોડ પર જોવા મળી શકે છે એમ એનાલિસ્ટ માને છે. નફામાં 10 ટકા વૃદ્ધિ પછીના વર્ષે તેમના નફાને રૂ. 2750 કરોડ પર લઈ જઈ શકે છે.
IT, FMCG, ટેલિકોમ અને RILના સપોર્ટથી નિફ્ટીએ 11 ટકા રિટર્ન દર્શાવ્યું
બેન્ચમાર્કે 16000નું સ્તર પાર કર્યાં બાદ મેટલ, બેંકિંગ અને ફાર્મામાં અન્ડરપર્ફોર્મન્સ જોવા મળ્યું
16000થી 17800 સુધીની સફરમાં નિફ્ટીના 50માંથી આંઠ કાઉન્ટર્સે 9 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન દર્શાવ્યું
ભારતીય શેરબજારે છેલ્લાં પોણા બે મહિના દરમિયાન દર્શાવેલી આક્રમક તેજીની ચાલમાં સારથીઓ બદલાયાં છે. બેન્ચમાર્કને તેની સર્વોચ્ચ ટોચ તરફ લઈ જવામાં આઈટી, ટેલિકોમ, પીએસયૂ, એફએમસીજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર્સે મહત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે બીજી બાજુ મેટલ, બેંકિંગ અને ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રોએ નબળો દેખાવ દર્શાવ્યો છે.
બેન્ચમાર્ક નિફ્ટીની 16000થી 17800 સુધીની સફરનો અભ્યાસ કરીએ તો જણાય છે કે અગાઉ ચઢિયાતો દેખાવ કરનારા સેક્ટર્સે નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. નિફ્ટીમાં તેજીની આગેવાની બદલાઈ હતી અને તે મુખ્યત્વે આઈટી, ટેલિકોમ અને એફએમસીજી ક્ષેત્રોએ લીધી હતી. સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઈટે પણ બજારને મજબૂત સપોર્ટ પૂરો પાડ્યો હતો. ઓગસ્ટની શરૂમાં નિફ્ટીએ 16000નો મહત્વનો અવરોધ પાર કર્યાં બાદ પાછું વળીને જોયું નથી. તેજીના બદલાયેલા આગેવાનોના સાથથી તે એક પછી એક નવી ઊંચાઈ દર્શાવતો રહ્યો છે. નિફ્ટીની છેલ્લી 1800 પોઈન્ટ્સની સફરમાં તેના 50 ઘટકોમાંથી 12 કાઉન્ટર્સે 15 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે 8-10 કાઉન્ટર્સે 15 ટકાથી વધુનું રિટર્ન સૂચવી રહ્યાં છે. 12 કાઉન્ટર્સ એવા છે જેમણે 5-10 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે 0-5 ટકા રિટર્ન આપતાં હોય તેવા 10 કાઉન્ટર્સ છે. માત્ર 8 કાઉન્ટર્સ 0-9 ટકાની રેંજમાં નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. એટલેકે નિફ્ટીના 50માંથી 42 કાઉન્ટર્સે પોઝીટીવ દેખાવ જાળવ્યો છે.
નિફ્ટીને મહત્વનો સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં બજાજ ફિનસર્વ 29.44 ટકા સાથે ટોચ પર છે. કંપનીનો શેર ગણતરીમાં લીધેલા સમયગાળા દરમિયાન 14295ના સ્તરેથી ઉછળી 18503.85ના સ્તરે બંધ રહ્યો હતો. ગુરુવારે તે 5 ટકા ઉછળી રૂ. 17750ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. તેમજ રૂ. 3 લાખના માર્કેટ-કેપ નજીક પહોંચ્યો હતો. આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજીનો શેર 28 ટકા સાથે નિફ્ટીને સપોર્ટ આપવામાં બીજા ક્રમે જોવા મળે છે. કંપનીનો શેર રૂ. 1039.45ના સ્તરેથી સુધરતો રહી રૂ. 1328.3ની સપાટી પર જોવા મળ્યો હતો. ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલનો શેર પણ આ સમયગાળા દરમિયાન 25 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. નિફ્ટીના અન્ય ટોચના પર્ફોર્મર્સમાં બજાજ ફાઈનાન્સ(24.75 ટકા), ટેક મહિન્દ્રા(24 ટકા), કોટક મહિન્દ્રા બેંક(20 ટકા), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(19.26 ટકા)નો સમાવેશ થાય છે. રિલાયન્સનો શેર શુક્રવારે રૂ. 2497ની ટોચ દર્શાવી રૂ. 2489.90ના સ્તરે બંધ રહ્યો હતો. જાહેર સાહસો જેવાકે ઓએનજીસી અને કોલ ઈન્ડિયાએ પણ બેન્ચમાર્કને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો છે. આ બંને કાઉન્ટર્સ 19 ટકાનું ઊંચું રિટર્ન દર્શાવી રહ્યાં છે. આઈટી અગ્રણી ટીસીએસનો શેર પણ 18 ટકા સાથે ઊંચું રિટર્ન દર્શાવવા સાથે નિફ્ટી માટે મહત્વનો સપોર્ટર બની રહ્યો છે. બે અગ્રણી એફએમસીજી કાઉન્ટર્સ હિંદુસ્તાન યુનીલિવર અને આઈટીસીએ પણ બજારને નવી ટોચ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા પાંચ વર્ષોથી દિશા હિન ટ્રેડ દર્શાવનાર આઈટીસીનો શેર છેલ્લા પખવાડિયામાં જ 15 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે એચયૂએલ તેની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. મેટલ અને ઓટો શેર્સે બજારની તેજીની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જેએસડબલ્યુ સ્ટીલ 8.5 ટકા સાથે નિફ્ટીનો સૌથી મોટો અન્ડરપર્ફોર્મર છે. જ્યારે ટાટા સ્ટીલ(6 ટકા) અને મારુતિ(4 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટીએ 16000 પાર કર્યાં બાદના આઉટપર્ફોર્મર્સ
સ્ક્રિપ્સ 3 ઓગસ્ટનો બંધ 23 સપ્ટેમ્બરનો બંધ વૃદ્ધિ(ટકામાં)
નિફ્ટી-50 16130.75 17822.95 10.49%
બજાજ ફિનસર્વ 14295 18503.85 29.44%
HCL ટેક્નોલોજિસ 1039.45 1328.3 27.79%
ભારતી એરટેલ 580.2 726.8 25.27%
બજાજ ફાઈનાન્સ 6331.9 7899.05 24.75%
ટેક મહિન્દ્રા 1226.25 1521.5 24.08%
કોટક મહિન્દ્રા બેંક 1684.81 2024 20.13%
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2087.75 2489.9 19.26%
કોલ ઈન્ડિયા 140.75 167.35 18.90%
ONGC 116.08 137.75 18.67%
TCS 3284.9 3869.25 17.79%
HUL 2386.85 2782.3 16.57%
ITC LTD 209.9 242.5 15.53%
Market Summary 23 September 2021
September 23, 2021