બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાં પરત ફરતાં સેન્સેક્સ-નિફ્ટીએ નવા શિખરો બનાવ્યાં
સેન્સેક્સ 476 પોઈન્ટ્સ ઉછળી 58723 પર જ્યારે નિફ્ટી 139 પોઈન્ટ્સ સુધારા સાથે 17519ના સ્તરે બંધ રહ્યાં
માર્કેટ રોકાણકારોની વેલ્થ રૂ. 2.16 લાખ કરોડ વધી રૂ. 259.68 કરોડ પર પહોંચી
આઈટી, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ, પીએસયૂ બેંક્સ, ઓટો અને મેટલના સપોર્ટે બજારમાં બ્રોડ બેઝ તેજી
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારે બુધવારે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી પાંચ દિવસના કોન્સોલિડેશન બાદ તેજીના નવા ઝોનમાં પ્રવેશ્યાં હતાં અને નવી ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ 476 પોઈન્ટ્સ ઉછળી 58723 અને નિફ્ટી 139 પોઈન્ટ્સના સુધારે 17519ના સ્તરે બંધ રહ્યાં હતાં. ઈન્ટ્રા-ડે ધોરણે સેન્સેક્સે 58777 અને નિફ્ટીએ 17532.70ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
માર્કેટ રોકાણકારો માટે બુધવાર બમ્પર બની રહ્યો હતો. તેજીવાળાઓની મજબૂત પકડે દિવસ દરમિયાન બજાર સતત નવી ટોચ દર્શાવતું રહ્યું હતું. કામકાજના આખરે રોકાણકારોની કુલ સંપત્તિ રૂ. 2.16 લાખ કરોડ વધી રૂ. 259.68 કરોડના વિક્રમી સ્તરે પહોંચી હતી. જે સાથે ભારતીય બજારનો માર્કેટ-કેપ-ટુ-જીડીપી રેશિયો પણ તેની છેલ્લાં 13 વર્ષોની ટોચ પર પહોંચ્યો હતો. માર્કેટમાં તેજી બ્રોડ બેઝ હતી અને મીડ-કેપ તથા સ્મોલ-કેપ સૂચકાંકો પણ તેમની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.02 ટકા સુધરી 30175.60ના સ્તરે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.65 ટકાના સુધારે 10857.20ના સ્તરે બંધ રહ્યાં હતાં. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જળવાઈ હતી. 3421 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2055 પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે 1246 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે ઘટીને બંધ રહ્યાં હતાં. 265 કાઉન્ટર્સે વાર્ષિક અથવા તો આજીવન ઊંચાઈ દર્શાવી હતી. જ્યારે 416 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં બંધ જોવા મળતાં હતાં.
ભારતીય બજારને લગભગ તમામ ક્ષેત્રો તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જોકે આઈટી અને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસે મુખ્ય સપોર્ટ પૂરો પાડ્યો હતો. બંને સેક્ટરલ સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યા હતાં. આઈટી ઈન્ડેક્સ 1.82 ટકા ઉછળી 36075 પર બંધ રહ્યો હતો. આઈટી અગ્રણી ટીસીએસનો શેર રૂ. 4000ના સ્તરને સ્પર્શવાથી માત્ર રૂ. 20 છેટે રહી ગયો હતો. તેણે રૂ. 3980ની ટોચ દર્શાવી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.91 ટકા ઉછળી 3877ના સ્તરે બંધ રહ્યો હતો. એનટીપીસી, કોલ ઈન્ડિયા, ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, ભારત ઈલેક્ટ્રિક અને આરઈસી જેવા કાઉન્ટર્સમાં 7 ટકા સુધીના ઉછાળો જોવા મળ્યો હતો. ચાલુ મહિને નિફ્ટી પીએસઈએ બજાર કરતાં ચઢિયાતો દેખાવ દર્શાવ્યો છે. નિફ્ટીની સરખામણીમાં અન્ડરપર્ફોર્મર એવો બેંક નિફ્ટી 0.6 ટકા પોઝીટીવ જોવા મળતો હતો. જોકે પીએસયૂ બેંક નિફ્ટીમાં 2.83 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જેમાં કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટર્સ 3-4 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
વૈશ્વિક સ્તરે યુએસ બજાર છેલ્લાં કેટલાંક સત્રોથી સતત ઘટાડો દર્શાવી રહ્યું છે. એશિયન બજારોમાં પણ સમગ્રતયા નરમ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બુધવારે હોંગ કોંગ માર્કેટ 1.84 ટકા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આ ઉપરાંત જાપાન, સિંગાપુર, તાઈવાન અને ચીનના બજારો પણ 0.72 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. તેમ છતાં ભારતીય બજારમાં પોઝીટીવ ટ્રેન્ડ જળવાયો હતો.
ટીસીએસ રૂ. 15 લાખ કરોડના એમ-કેપ નજીક
દેશના બજારમાં બીજા ક્રમનું માર્કેટ-કેપ ધરાવતી કંપની ટીસીએસનો શેર રૂ. 3980ની ટોચ બનાવી રૂ. 3955 પર બંધ રહ્યો હતો. જે ભાવે કાઉન્ટર રૂ. 14.63 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવતું હતું. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રૂ. 15.33 લાખ કરોડની સરખામણીમાં રૂ. 70 હજાર કરોડ છેટું હતું. ટીસીએસના શેરમાં જોવા મળી રહેલા ઝડપી સુધારાને જોતાં તે ટૂંકમાં જ રૂ. 15 લાખ કરોડનું એમ-કેપ દર્શાવે તેવું જણાય છે.
ભારતીય બજારનું 23 ટકા રિટર્ન, ચીન 12 ટકા નરમ
કેલેન્ડર 2021માં ભારતીય બેન્ચમાર્ક્સ 23 ટકાનું ઊંચું રિટર્ન દર્શાવી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ ઈમર્જિંગ માર્કેટ હરિફ ચીનનું બજાર 12 ટકા નરમાઈ નોંધાવી રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં ભારતીય બજારના આઉટપર્ફોર્મન્સને જોતાં વૈશ્વિક રોકાણકારો એશિયામાં તેમની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરી રહ્યાં છે. અનેક ફંડ્સ ચીનમાંથી તેમનું રોકાણ ભારતીય બજારમાં ખસેડવાનું વિચારી રહ્યાં છે. જેની પાછળ આગામી સમયગાળામાં સ્થાનિક બજારમાં ઊંચા ફંડ ફ્લોની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભારતી એરટેલે રૂ. 4 લાખ કરોડનું એમ-કેપ નોંધાવ્યું
ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલનો શેર બુધવારે દિવસ દરમિયાન રૂ. 4 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. કંપનીનો શેર દિવસ દરમિયાન 6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 734.95ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે વખતે તેણે રૂ. 4.03 લાખ કરોડનું એમ-કેપ નોંધાવ્યું હતું. કામકાજને અંતે તે 4.51 ટકા સુધારા સાથે રૂ. 725.50ના સ્તરે બંધ રહ્યો હતો. જે વખતે તેનું એમ-કેપ રૂ. 3.98 લાખ કરોડ જોવા મળતું હતું અને દેશના શેરબજારમાં એમ-કેપની રીતે તે 9મા ક્રમ પર જોવા મળતી હતી. માર્કેટ-કેપની રીતે તેણે એસબીઆઈને પાછળ રાખી દીધો હતો. બુધવારે એસબીઆઈ રૂ. 3.96 લાખ કરોડના એમ-કેપ સાથે બંધ રહ્યો હતો. કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓના બાકી નીકળતાં નાણા માટે મોરેટોરિયમ પિરિયડને વધુ લંબાવે તેવી શક્યતા પાછળ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લાં 13 સત્રોમાં ભારતીનો શેર 23 ટકા જેટલો ઉછળ્યો છે.
યસ બેંક સહિત અન્યોએ સેબી સાથે રૂ. 1.65 કરોડમાં સેટલમેન્ટ કર્યું
ખાનગી ક્ષેત્ર લેન્ડર યસ બેંક અને છ અન્યોએ મંગળવારે સેબી સાથે એસેટ ક્વોલિટીના સિલેક્ટિવ ડિસ્ક્લોઝર સંબંધી કેસમાં સેટલમેન્ટ કર્યું હતું. આ માટે તેમણે માર્કેટ રેગ્યુલેટરને રૂ. 1.65 કરોડની સેટલમેન્ટની રકમ પણ ચૂકવી હતી. બેંક ઉપરાંત સેબી સાથે સેટલમેન્ટ કરનારાઓમાં આશિષ અગ્રવાલ, નિરંજન બનોદકર, સંજય નામ્બિયાર, દેવમાલ્યા ડે, રજત મોંગા અને શિવાનંદ શેટ્ટીગરનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ સેબીને તેમની સામે શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને બંધ કરી સેટલમેન્ટ કરવા માટે અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે આમ કરવામાં આવ્યું હતું.
બેંકોની NPA માર્ચ 2022 સુધીમાં રૂ. 10 લાખ કરોડને પાર કરે તેવી શક્યતા
એસોચેમ-ક્રિસિલના સંયુક્ત અભ્યાસ મુજબ રિટેલ, એમએસએમસી એકાઉન્ટ્સમાં સ્લીપેજિસ પાછળ એનપીએ વધશે
દેશની બેંકોની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ માર્ચ 2022 સુધીમાં વધીને રૂ. 10 લાખ કરોડના સ્તરને પાર કરે તેવી શક્યતા એસોચેમ-ક્રિસિલના સંયુક્ત અભ્યાસમાં વ્યક્ત કરવામાં આવી છે. એસેટ ક્વોલિટીમાં ખરાબીનું મુખ્ય કારણ રિટેલ અને એમએસએમઈ એકાઉન્ટ્સમાં જોવા મળી રહેલા સ્લિપેજિસ આપવામાં આવ્યું છે.
બંને સંસ્થાઓએ ‘રિઈન્ફોર્સિંગ ધ કોડ’ શીર્ષક હેઠળ રજૂ કરેલા અભ્યાસ મુજબ માર્ચ 2022 સુધીમાં દેશમાં એનપીએ વધીને 8.5-9 ટકાના દરે રહેવાની શક્યતા છે. આ વૃદ્ધિ મુખ્યત્વે રિટેલ તથા સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ એકાઉન્ટ્સ તેમજ કેટલીક રિસ્ટ્રક્ચર્ડ એસેટ્સને કારણે થશે એમ જણાવાયું છે. રિપોર્ટ નોંધે છે કે એનપીએમાં સંભવત વૃદ્ધિને જોતાં ઈન્સોલ્વન્સિ એન્ડ બેન્ક્ર્પ્ટ્સિ કોડ(આઈબીસી)ની કાર્યદક્ષતાની કસોટી થઈ શકે છે. કેમકે માર્ચ 2021ના અંતે નવા ઈન્સોલ્વન્સિ કેસ ફાઈલ કરવાના કેસિસ પરનું મોરેટોરિયમ દૂર થયું હતું. તેમજ મહામારીને કારણે અસ્તિત્વમાં આવેલી મોટાભાગની સરકારી નીતિઓ તથા પગલાઓ હવે ચાલુ રહેવાની શક્યતા નથી.
રિપોર્ટ મુજબ બેંક્સ તથા એનબીએફસી કંપનીઓની જીએનપીએમાં વૃદ્ધિ સ્ટ્રેસ્ડ એસેટ્સ માર્કેટ પ્લેયર્સને માટે તકનું સર્જન કરશે. સરકાર દ્વારા એમએસએમઈ અને નાના ડેટ હોલ્ડર્સ માટે પ્રસ્તાવિત રિસ્ટ્રક્ચરિંગ સ્કિમ એનપીએમાં બહુ મોટી વૃદ્ધિને અટકાવે તેવું બની શકે છે. જોકે તે કેટલા અંશે આમ કરવામાં સફળ રહેશે તે આગામી સમયગાળામાં જાણવા મળશે. અભ્યાસ મુજબ ભારતીય બેંક્સની અને તેમાં પણ જાહેર ક્ષેત્રની બેંક્સની રિસ્ક મેનેજમેન્ટ પોલિસીમાં સુધારો જોવા મળી શકે છે. અગાઉ નિયમો લેન્ડર્સની તરફેણમાં નહોતાં અને તેનો લાભ લેભાગુ પ્રમોટર્સ લેતાં હતાં. જોકે હવે રિકવરી પ્રોસેસ ઝડપી બનતાં પ્રમોટર્સ ફાવી રહ્યાં નથી. આરબીઆઈ નાદાર બનેલા પ્રમોટર્સ માટે કડક નિયમો લાગુ પાડી રહી છે. સાથે સ્ટ્રેસ્ડ એસેટ રેસોલ્યુશનને કડક બનાવી રહી છે. જેને કારણે કેટલીક લાર્જ-ટિકિટ એનપીએના કેસ ઉકેલી શકાયાં છે અને એનપીએ રિકવરીમાં નોઁધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
Market summary 15 September 2021
September 15, 2021