બ્લોગ કન્ટેન્ટ
ચોથીવાર 15900 પાર કરવામાં નિષ્ફળતા
ભારતીય શેરબજાર સતત ચોથીવાર 15900ના સ્તરને પાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. તે અગાઉની 15916ની સર્વોચ્ચ સપાટી સામે 15914ના સ્તરેથી પરત ફર્યું હતું અને 15818 પર બંધ રહ્યું હતું. જોકે બજારમાં હજુ કોઈ સેલ સિગ્નલ નથી મળ્યાં પરંતુ ચોથીવાર કોઈ સ્તરેથી પરત ફરવું અવરોધનને વધુ મજબૂતી આપે છે.
ઊંચા મથાળે વેચવાલી વચ્ચે બેંક નિફ્ટી અડગ
મંગળવારે ફરી એકવાર નિફ્ટી 15900ના સ્તરને પાર કરવામાં અસફળ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 53 હજારના સ્તર પર જઈ પાછો પડ્યો હતો. જોકે આ બધા વચ્ચે બેંક નિફ્ટીએ તેની મજબૂતી જાળવી હતી અને તે 1.04 ટકા અથવા 367.15 પોઈન્ટ્સ સાથે 35579.15ના સ્તર પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. બેંક નિફ્ટીને એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર 8.15 ટકા સુધારા સાથે જ્યારે એચડીએફસી બેંકનો શેર 2.62 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડે નવી ટોચ દર્શાવી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી હતી.. ઓપેક તથા બિન-ઓપેક ઉત્પાદકો વચ્ચે ચાલુ વર્ષ તથા 2022માં ઉત્પાદન નીતિની ચર્ચા કરવા યોજાનારી બેઠક મુલત્વી રાખવામાં આવતાં આમ થયું છે. ઓપેક દેશોમાં બે અગ્રણી ઉત્પાદકો તથા નજીકના દેશો સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે ઊભા થયેલાં ખટરાગ પાછળ બેઠક યોજાઈ શકી નથી. જેની પાછળ બ્રેન્ટ ક્રૂડ વાયદો 77.61 ડોલરની નવી ટોચ દર્શાવી 77.40 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે ભારતીય અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી કરી શકે છે.
રૂપિયામાં ડોલર સામે 24 પૈસાનો ઘટાડો
ભારતીય ચલણમાં ડોલર સામે સોમવારે જોવા મળેલો સુધારો અલ્પજીવી નીવડ્યો હતો. મંગળવારે તે ગ્રીનબેક સામે 24 પૈસા ગગડી 74.55ના સ્તરે બંધ આવ્યો હતો. જે તાજેતરમાં તેનું બીજું નીચું બંધ છે. ગયા સપ્તાહાંતે તેણે 74.75ના તળિયા પર બંધ દર્શાવ્યું હતું. જ્યાંથી સોમવારે તે 44 પૈસાના નોંધપાત્ર સુધારે 74.31ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે મંગળવારે ક્રૂડના ભાવમાં વૃદ્ધિ પાછળ આયાતકારોની ડોલરમાં નીકળેલી ખરીદી પાછળ રૂપિયો ઘસાયો હતો. બજારમાં છેલ્લાં કેટલાંક દિવસથી રૂપિયો ઘસાઈ રહ્યો છે. જોકે આરબીઆઈ બજારમાં દરમિયાનગીરીથી દૂર જોવા મળે છે.
શાપુરજી પાલોનજી ટાટા સન્સમાંનો હિસ્સો પ્લેજ કરે તેવી શક્યતા
ઊંચા ઋણનો સામનો કરી રહેલું શાપુરજી પાલોનજી ગ્રૂપ તેના ઋણની ચૂકવણી માટે ટાટા સન્સમાંનો તેનો 18.37 ટકાનો સમગ્ર હિસ્સો પ્લેજ કરે તેવી જાણવા મળે છે. નજીકના વર્તુળોએ જણાવ્યા મુજબ કંપનીના લેન્ડર્સે આ અંગે ડ્યુ ડિલિજન્સની કામગીરી પૂર્ણ કરી છે. જો કોઈ કારણસર ગ્રૂપ ઋણ ચૂકવણીમાં નિષ્ફળ જશે તો લેન્ડર્સે ટાટા સન્સને આર્ટિકલ 75 હેઠળ રાઈટ ટુ રિફ્યુઝલનો પ્રથમ અધિકાર પણ આપવાનો રહેશે.
2021ના પ્રથમ છ મહિનામાં ઈક્વિટી ફંડ્સમાં 585 અબજ ડોલરનો વિક્રમી ફ્લો
વર્તમાન ગતિએ ફ્લો જળવાશે તો 2021માં છેલ્લા 20 વર્ષોના કુલ ફ્લોથી ઊંચો ફ્લો જોવા મળશે
છેલ્લાં 20 વર્ષોમાં 800 અબજ ડોલરનો ફંડ ફ્લો જોવા મળ્યો હતો
વૈશ્વિક સ્તરે ઈક્વિટી ફંડ્સમાં અગાઉ ક્યારેય ના જોવા મળ્ય હોય તેવો નાણાનો ધોધ વહી રહ્યો છે. કેલેન્ડર 2021ના પ્રથમ છ મહિનાના આખર સુધીમા વૈશ્વિક ઈક્વિટી ફંડ્સમાં કુલ 580 અબજ ડોલરનો વિક્રમી ફ્લો નોંધાયો હતો. જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. આ અગાઉ કેલેન્ડર 2017માં 170 અબજ ડોલરનો વિક્રમી ઈનફ્લો નોંધાયો હતો. જોકે ત્યારબાદ ફ્લોમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો હતો અને 2019 અને 2020 દરમિયાન તો ઈક્વિટી ફંડ્સમાં નેગેટિવ ફ્લો જોવા મળ્યાં હતાં.
બોફા ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, ઈપીએફઆરે પૂરા પાડેલાં ડેટા મુજબ જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં વૈશ્વિક ધોરણે સક્રિય તમામ ઈક્વિટી ફંડ્સમાં 580 અબજ ડોલરનો ઉમેરો થયો હતો. બેંક ઓફ અમેરિકાના સ્ટ્રેટેજિસ્ટના મતે જો 2021ના બાકીના સમયગાળામાં આ ઝડપે જ ફ્લો જળવાય રહેશે તો સમગ્ર કેલેન્ડર દરમિયાન છેલ્લાં 20 વર્ષોમાં નોંધાયેલા ફ્લો કરતાં વધુ ફ્લો જોવા મળશે. છેલ્લા 20 વર્ષોમાં ઈક્વિટી ફંડ્સમાં લગભગ 800 અબજ ડોલરનો કુલ ફંડ ફ્લો નોંધાયો છે. જ્યારે છ મહિનામાં 580 અબજ ડોલર લેખે ગણીએ તો 12 મહિનામાં 1160 અબજ ડોલરનો ફંડ ફ્લો જોવા મળે એમ તેમનું કહેવું છે. ઈક્વિટી ફંડ્સે તેમની પાસે આવેલા નાણા સતત વધતાં રહેલાં બજારોમાં ઠાલવ્યાં હતાં. જેની પાછળ યુએસ સહિતના અનેક બજારો વૈશ્વિક સ્તરો પર ટ્રેડ કરી રહ્યાં છે. વૈશ્વિક અર્થતંત્ર મહામારીમાંથી બહાર આવી રિકવરી દર્શાવે તેવી શક્યતા છે. એસએન્ડપી 500 ચાલુ કેલેન્ડરમાં 15 ટકાથી વધુ ઉછળ્યો છે. જ્યારે ફૂડ્સી ઓલ વર્લ્ડ ઈન્ડેક્સ છ મહિના દરમિયાન 12 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. પ્રમાણમાં નીચો બોન્ડ યિલ્ડ્સે પણ 117 ટ્રિલિયન ડોલરનું એમ-કેપ ધરાવતાં વૈશ્વિક સ્ટોક માર્કેટ્સની અપીલમાં વૃદ્ધિ કરી છે. વૈશ્વિક સ્તરે 12 ટ્રિલીયન ડોલરનું મૂલ્ય ધરાવતી ડેટ પ્રોડક્ટ્સ શૂન્યથી નીચેના યિલ્ડ પર ટ્રેડ થઈ રહી છે. અગ્રણી ફંડ મેનેજર કંપનીના એનાલિસ્ટ્સના મતે અર્થતંત્રમાં મહત્વનો ફેરફાર જોવા મળી રહ્યો છે અને અર્નિંગ્સ ગ્રોથ પરત ફર્યો છે. તેમના મતે બોન્ડ્સમાં યિલ્ડ નેગેટિવ જોવા મળી રહ્યાં છે અને તેથી ઈક્વિટીઝમાં નવો ફ્લો પ્રવેશતો રહેશે.
વૈશ્વિક ફંડ્સમાં જોવા મળેલો ઈનફ્લો બ્રોડ બેઝ રહ્યો છે. તે વિકસિત દેશોના બજારોમાં ખરીદી કરતાં ફંડ્સ ઉપરાંત ઈમર્જિંગ માર્કેટ ફંડ્સમાં પણ પ્રવેશ્યો છે. સાથે તે ગ્રોથ અને ટેક્નોલોજી, બંને પ્રકારના સ્ટોક્સમાં પ્રવેશતો જોવા મળ્યો છે. ઈપીએફઆર ડેટા મુજબ સોવરિન બોન્ડ ફંડ્સમાં ચાલુ વર્ષે ફંડ ફ્લો મંદ જોવા મળ્યો છે અને તે માત્ર 33 અબજ ડોલર પર જ રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે રોકાણકારો ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણની પસંદગી જાળવી રાખશે. ખાસ કરીને કોવિડ-19ના વેક્સિનેશનમાં વિશ્વથી આગળ એવા યુએસ શેરબજારનું આકર્ષણ જળવાશે. જોકે બીજી બાજુ તેઓ યુએસ ફેડ તરફથી મોટા પોલિસી રિસ્કને પણ જોઈ રહ્યાં છે. અગાઉ યુએસ સ્ટોક્સે 2013માં ફેડ દ્વારા કરવામાં આવેલા ટેપર ટેન્ટ્રમ પછી પણ સારો દેખાવ નહોતો દર્શાવ્યો. તાજેતરમાં ફેડ ચેરમેને જણાવ્યું હતું કે એક તબક્કે તેઓ બોન્ડ-બાઈંગ પ્રોગ્રામ બંધ કરી શકે છે.
ચીપની તંગી પાછળ ટાટા મોટર્સના શેર્સમાં નીચલી સર્કિટ
પેટાકંપની જગુઆર લેંડ રોવરે સેમીકંડક્ટરની અછત પાછળ હોલસેલ વેચાણમાં ઘટાડાનો ડર દર્શાવતાં શેર ગગડ્યો
દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સના શેરમાં મંગળવારે 8.5 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. કંપનીનો શેર એક તબક્કે રૂ. 311.50ની 10 ટકાની નીચલી સર્કિટ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી થોડો સુધરી રૂ. 316.90ના સ્તરે બંધ રહ્યો હતો. કાઉન્ટરમાં ખૂબ જ ઊંચા કામકાજ જોવા મળ્યા હતાં. શેરમાં સવારે રૂ. 358.20ની ટોચ પર ભાવ જોવા મળ્યો હતો. જોકે બપોર બાદ કંપનીની પેટાકંપની લેંડ રોવરે સેમીકંડક્ટરની પ્રવર્તી રહેલી તંગીને લઈ ચિંતા દર્શાવતાં ભારે વેચવાલી પાછળ શેર ઊંધા માથે પટકાયો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 2 ટકા જેટલો ગગડ્યો હતો.
કંપનીની લક્ઝરી બ્રાન્ડ જગુઆર લેંડ રોવરે વૈશ્વિક સ્તરે ચીપની અછત પાછળ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના હોલસેલ વોલ્યુમ અડધા થઈ શકે છે તેવી ટિપ્પણી કરી હતી. શેરબજારને એક ફાઈલીંગમાં ટાટા મોટર્સે આ માહિતી આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ચીપના પુરવઠામાં કેટલી તંગી રહેશે તેને લઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે. જોકે સપ્લાયર્સ પાસેથી મળી રહેલાં અહેવાલ મુજબ ચાલુ નાણાકિય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચિપ્સની તંગી જોવા મળે તેવું અનુમાન છે. જેની પાછળ હોલસેલ વોલ્યુમમાં ઘટાડો આવી શકે છે. આ સ્થિતિમાં કંપની ઊંચું માર્જિન ધરાવતાં વેહીકલ્સના ઉત્પાદન પર ભાર મૂકવાનું ચાલુ રાખશે. જેની સાથે ચીપના સપ્લાયમાં અછતની અસરને હળવી કરવા માટે ચીપ અને પ્રોડક્ટ સ્પેસિફિકેશનમાં ફેરફાર કરવામાં આવી શકે છે એમ પણ તેણે જણાવ્યું હતું. જૂન ક્વાર્ટર દરમિયાન જગુઆર લેંડ રોવરના રિટેલ વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેની પાછળ માગમાં રિકવરીનો સંકેત મળ્યો હતો. જૂનમાં પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન રિટેલ વેચાણ 68.1 ટકા વધી 1,24,537 યુનિટ્સ રહ્યું હતું. આમ ગયા વર્ષની સરખામણીમાં તે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી રહ્યું હતું. જૂન 2020 ક્વાર્ટરમાં કોવિડના પ્રથમ રાઉન્ડમાં કંપનીનું વેચાણ ઘણા વર્ષોના તળિયા પર જોવા મળ્યું હતું.
Market Summary 6 July 2021
July 06, 2021