માર્કેટ સમરી
નિફ્ટી મજબૂત બંધ આપવામાં સફળ
ભારતીય બજાર જૂન એક્સપાયરીના દિવસે મજબૂત ટકી રહ્યું હતું. નિફ્ટી 103 પોઈન્ટ્સ સુધારા સાથે 15790ના સ્તરે બંધ રહ્યો હતો. તેને આઈટી તરફથી મજબૂત સપોર્ટ મળ્યો હતો. આઈટી ઈન્ડેક્સ તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. અગ્રણી આઈટી શેર્સ તેમની ટોચ પર ટ્રેડ થયાં હતાં. જોકે અન્ય ડિફેન્સિવ ક્ષેત્ર ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. રિઅલ્ટી અને મિડિયા પણ નરમાઈ સાથે બંધ દર્શાવી રહ્યાં હતાં.
જૂન સિરિઝમાં ઊંચી વોલેટાલિટી વચ્ચે નિફ્ટીએ 3 ટકા સુધારો દર્શાવ્યો
મે સિરિઝના અંતે 15338 વાળો નિફ્ટી ગુરુવારે 15790 પર બંધ રહ્યો
જોકે ડિસેમ્બર 2020 સિરિઝ બાદ જૂન 2021 સિરિઝમાં સૌથી નીચા કેશ વોલ્યુમ જોવા મળ્યાં
ભારતીય શેરબજાર માટે જૂન સિરિઝ ઊંચી વધ-ઘટથી ભરપૂર રહેવા છતાં સરવાળે 3 ટકા સુધારા સાથે બંધ જોવા મળી હતી. ગુરુવારે જૂન એક્સપાયરીના દિવસે નિફ્ટી 15790 પર બંધ રહ્યો હતો. જે મે સિરિઝના અંતે 15338ના બંધ સામે 452 પોઈન્ટ્સનો ચોખ્ખો સુધારો દર્શાવતો હતો. એપ્રિલ અને મે સિરિઝ બાદ ભારતીય બજારે સતત ત્રીજી સિરિઝમાં પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. તેણે વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ જાળવ્યું હતું.
કેલન્ડરમાં અત્યાર સુધીમાં છમાંથી ચાર સિરિઝમાં માર્કેટે સુધારો નોંધાવ્યો છે. જ્યારે બે સિરિઝ દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે. જેમાં જાન્યુઆરી સિરિઝમાં નિફ્ટી 1.17 ટકા તથા માર્ચ સિરિઝમાં તે 5.12 ટકા બંધ આવ્યો હતો. જે ચાર સિરિઝમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં ફેબ્રુઆરીમાં 9.26 ટકા સાથે સૌથ વધુ સુધારો નોંધાયો હતો. જ્યારે ત્યારબાદ એપ્રિલ સિરિઝમાં 3.98 ટકા અને માર્ચ સિરિઝમાં 2.97 ટકા સુધારો જોવા મળ્યો હતો. જે ક્રમ જૂન સિરિઝમાં પણ જળવાયો હતો. જૂન સિરિઝ દરમિયાન સેક્ટરલ ઈન્ડાઈસિસમાં આઈટીએ બજારને મુખ્ય સપોર્ટ કર્યો હતો અને તે સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો. ઈન્ડેક્સે જાન્યુઆરી 2021 અને એપ્રિલ 2021માં તેણે દર્શાવેલી ટોચને પાર કરી હતી. ગુરુવારે તેણે 29000ની ટોચ પર બંધ દર્શાવ્યું હતું. જોકે નિફ્ટી બાદ સૌથી વધુ ટ્રેડ થતો બેંક નિફ્ટી જૂન સિરિઝમાં 0.76 ટકા ઘટાડા સાથે બંધ આવ્યો હતો.
જૂન સિરિઝમાં એક અન્ય નોંધપાત્ર બાબત કેશ વોલ્યુમમમાં તીવ્ર ઘટાડો હતો. બીએસઈ અને એનએસઈ પર મળીને જૂન સિરિઝમાં બજારમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ રૂ. 68089 કરોડ નોંધાયું હતું. જે એપ્રિલ અને મે સિરિઝમાં રૂ. 80 હજાર કરોડથી વધુ જોવા મળ્યું હતું. માત્ર ડિસેમ્બર 2020 સિરિઝમાં બંને પ્લેટફોર્સ પર સરેરાશ કેશ માર્કેટ કામકાજ રૂ. 59027 કરોડના નીચા સ્તર પર જોવા મળ્યું હતું. જ્યારબાદ તેમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. જેનું મુખ્ય કારણ મીડ અને સ્મોલ-કેપ્સમાં તેજી સાથે ભાવોમાં તીવ્ર વૃદ્ધિ હતું. જોકે જૂન સિરિઝ દરમિયાન ઊંચી વોલેટિલિટીને કારણે ટ્રેડર્સનો નોંધપાત્ર વર્ગ માર્કેટથી વિમુખ થયો હતો. વૈશ્વિક બજારોમાં પણ નિરસતા જોવા મળી હતી અને તેથી બજારમાં વોલ્યુમ સૂકાયાં હતાં. જોકે આ બધા વચ્ચે જૂન સિરિઝનું પોઝીટીવ બંધ આવવું માર્કેટ માટે સારો સંકેત છે. નિફ્ટી તેની ટોચ નજીક જ બંધ રહ્યો છે. ડેરિવેટિવ્સ એનાલિસ્ટ્સના મતે જુલાઈ સિરિઝ માર્કેટ માટે ખૂબ મહત્વની બની રહેશે. કેમકે મે 2017 બાદ એક સાથે ચાર પોઝિટીવ ડેરિવેટિવ્સ સિરિઝ જોવા મળી નથી. 2017માં એક સાથે છ સિરિઝે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જેમાં મે સિરિઝ છઠ્ઠી સિરિઝ હતી. ત્યારબાદ અત્યાર સુધી એક સાથે ચાર સિરિઝ દરમિયાન પોઝીટીવ બંધ નથી જળવાયું. જો જુલાઈ સિરિઝ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહેશે તો લાંબા સમય બાદ બજારમાં આવો ક્રમ જોવા મળશે એમ તેઓ ઉમેરે છે.
શ્યામ મેટાલિક્સ અને સોના કોમસ્ટારે મજબૂત લિસ્ટીંગ દર્શાવ્યાં
લગભગ દોઢ મહિના બાદ શરૂ થયેલા આઈપીઓના બીજા તબક્કામાં શરૂઆતી લિસ્ટીંગ સારાં રહ્યાં છે. ગુરુવારે શેરબજાર પર લિસ્ટ થયેલાં શ્યામ મેટાલિક્સ અને સોના કોમસ્ટારના લિસ્ટીંગ ઓફરભાવથી 30 ટકા સુધીનું પ્રિમીયમ દર્શાવતાં હતાં. જેમાં શ્યામ રૂ. 375 મેટાલિક્સનો શેર રૂ. 306ના ઓફરભાવ સામે એનએસઈ ખાતે રૂ. 380ના ભાવે લિસ્ટ થયા બાદ રૂ. 399ની ટોચ બનાવી રૂ. 376.15 પર 22.92 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 9595 કરોડ જોવા મળતું હતું. કંપનીનો આઈપીઓ 121 ગણો છલકાયો હતો અને ગ્રે-માર્કેટ પણ શેર પર ઊંચું પ્રિમીયમ ચૂકવી રહ્યું હતું. જોકે તેની સરખામણીમાં લિસ્ટીંગ નબળું રહ્યું હતું. એક અન્ય આઈપીઓ સોના બીએલડબલ્યુ પ્રિસિસન ફોર્જિંગ્સે પણ 4 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટીંગ દર્શાવ્યાં બાદ 20 ટકાની સર્કિટમાં બંધ આપ્યું હતું. એટલેકે શેર રૂ. 291ના ઓફરભાવ સામે તે કુલ 24.12 ટકા સુધારા સાથે રૂ. 361.20ના સ્તરે બંધ રહ્યો હતો. જે સ્તરે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 21 હજાર કરોડથી ઊંચું હતું. કંપનીનો આઈપીઓ માત્ર 2.33 ગણો છલકાયો હતો. ચાલુ વર્ષે બજારમાંથી રૂ. 5250 કરોડ ઊભા કરનાર તે સૌથી મોટી કંપની હતી.
ડોલર સામે રૂપિયો બીજા દિવસે મજબૂત
રૂપિયામાં ગ્રીનબેક સામે સતત બીજા દિવસે સુધારો નોંધાયો હતો. ગુરુવારે તે વધુ 11 પૈસા સુધરી 74.17ના સ્તર પર બંધ આવ્યો હતો. બુધવારે તે 10 પૈસાના સુધારા સાથે 74.27 પર બંધ રહ્યો હતો. આમ બે દિવસમાં ડોલર સામે તેણે 21 પૈસાની મજબૂતી નોંધાવી હતી. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ સતત બીજા દિવસે નરમાઈ સાથે 91.718ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જેની અસર ઈમર્જિંગ અર્થતંત્રના ચલણો પર પોઝીટીવ જોવા મળી હતી.
ઈન્ફોસિસમાં બાયબેકની શરૂઆત અગાઉ 4 ટકા ઉછાળો
આઈટી અગ્રણી ઈન્ફોસિસનો શેર શુક્રવારથી શરૂ થતાં બાયબેક અગાઉ તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ગુરુવારે કંપનીનો શેર અગાઉના રૂ. 1503ના બંધ ભાવ સામે 3.75 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1559.15ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 6.64 લાખ કરોડને પાર કરી ગયું હતું. કંપનીએ ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 1568ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ઈન્ફોસિસ
25 જૂનથી શેર્સ બાયબેક પ્રોગ્રામની શરૂઆત કરવાની છે. તેણે માર્ચ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત દરમિયાન રૂ. 9200 કરોડના શેર બાયબેક પ્રોગ્રામની જાહેરાત કરી હતી. જેને 10 જૂને શેરધારકો તરફથી મંજૂરી મળી હતી. કંપની પ્રતિ શેર રૂ. 1750ના મહત્તમ ભાવે કંપનીના શેર્સની પરત ખરીદી કરશે. કંપનીએ શેર બાયબેક પ્રોગ્રામ માટે કોટક મહિન્દ્રા કેપિટલ કંપનીની મેનેજર તરીકે નિમણૂંક કરી છે. બાયબેક પ્રોગ્રામ માટે છેલ્લી તારીખ 24 ડિસેમ્બરની રહેશે. જે પ્રોગ્રામની શરૂઆતથી છ મહિના સુધીનો મહત્તમ સમયગાળો સૂચવે છે. જો આ અગાઉ નિશ્ચિત રકમના શેર્સ બાયબેક થઈ જશે તો પ્રોગ્રામ વહેલો પૂરો કરવામાં આવશે. મહત્તમ ભાવે કંપની લગભગ 5,25,71,428 કરોડ શેર્સની ખરીદી કરી શકે છે.
વિપ્રો આઈટી સર્વિસિસે 75 કરોડ ડોલર ઊભા કર્યાં
દેશમાં ત્રીજા નંબરની આઈટી કંપની વિપ્રોની યુએસ સ્થિત પેટા કંપની વિપ્રો આઈટી સર્વિસિસે 75 કરોડ ડોલર ઊભા કર્યાં છે. કંપનીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ બાયર્સને 1.5 ટકાની ડોલર ડિનોમિનેટેડ નોટ્સ ઈસ્યુ કરીને આ રકમ ઊભી કરી છે. કંપનીએ નોટ્સની સામે ગેરંટીની જવાબદારી સ્વીકારી છે. કોર્પોરેટ ગેરંટીને કંપનીની કન્ટિન્જન્ટ લાયેબિલિટી તરીકે સ્વીકારવામાં આવશે.