માર્કેટ ઓપનીંગ
યુએસમાં નરમાઈ વચ્ચે એશિયામાં મિશ્ર વલણ
ફેડ બેઠક બાદ સતત બીજી દિવસે યુએસ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 210 પોઈન્ટ્સના ઘટાડે 33823ના સ્તરે બંધ આવ્યો હતો. તેણે 34000ની સપાટી ગુમાવી હતી. એશિયન બજારોમાં જાપાન, હોંગ કોંગ અને કોરિયા મજબૂતી દર્શાવી રહ્યાં છે. જ્યારે સિંગાપુર, તાઈવાન અને ચીનમાં નરમાઈ જોવા મળી રહી છે. યુએસ ખાતે નાસ્ડેક જોકે તેની સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યો છે. ગુરુવારે તે 122 પોઈન્ટ્સના સુધારે 14161 પર બંધ જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 45 પોઈન્ટ્સના સુધારા સાથે 15738ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. જોકે વૈશ્વિક બજારોની ચાલ જોતાં તે આ સ્તરે ટકે છે કે કેમ તે એક સવાલ છે. છેલ્લા બે સત્રોથી તે નરમાઈ દર્શાવી રહ્યું છે. ક્રૂડના ભાવમાં વૃદ્ધિ તથા રૂપિયામાં નરમાઈ પાછળ બજારનું સેન્ટિમેન્ટ ખરડાવાની શક્યતા છે. નિફ્ટી 15600ના સ્તર પર ટક્યો છે ત્યાં સુધી લોંગ પોઝીશન જાળવી શકાય.
ક્રૂડ પણ અન્ય કોમોડિટી સાથે જોડાયું
ગુરુવારે વૈશ્વિક બજારોમાં વિવિધ કોમોડિટીના ભાવમાં જોવા મળેલા તીવ્ર ઘટાડાની થોડી અસર ક્રૂડ પર પણ જોવા મળી હતી અને 74 ડોલર પર ટ્રેડ થઈ રહેલું ક્રૂડ 73 ડોલર નીચે ટ્રેડ થઈ રહ્યું હતું. જોકે 70 ડોલર પર તે ટેકનિકલી મજબૂત છે. ભારતીય કોમેક્સ ખાતે તેણે ગુરુવારે રૂ. 5300ની સપાટી ઉપર ટ્રેડ દર્શાવ્યો હતો.
સોનુ-ચાંદી ઊંધા માથે પટકાયાં
ફેડની અપેક્ષા કરતાં ઝડપી રેટ વૃદ્ધિની જાહેરાતે સૌથી વધુ અસર બુલિયન પર દર્શાવી હતી. વૈશ્વિક બજારમાં સોનુ 1800 ડોલરની સપાટી નીચે ઉતરી ગયું હતું. હાલમાં તે 1784 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. એમસીએક્સ ખાતે સોનુ 3 ટકાના ઘટે રૂ. 47040 પર બંધ રહ્યું હતું. નીચામાં તે રૂ. 46744 પર ટ્રેડ થયું હતું. ચાંદી 5 ટકાથી વધુ તૂટી રૂ. 67700 પર બંધ રહી હતી. તેણે એક દિવસમાં રૂ. 3768નો ઘટાડો દર્શાવ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
• કોલ ઈન્ડિયા ચેરમેનના મતે કંપની ટૂંક સમયમાં ભાવ વૃદ્ધિ અંગે નિર્ણય લેશે.
• સીસીઆઈએ મેગ્મા એચડીઆઈ જનરલ ઈન્શ્યોરન્સની ખરીદીને આપેલી મંજૂરી.
• દેશમાં શેરડીના વાવેતર વિસ્તારમાં વૃદ્ધિની શક્યતા જોતાં વાવેતરકારો.
• અદાણી જૂથના માર્કેટ-કેપમાં ત્રણ દિવસોમાં 9 અબજ ડોલરનો ઘટાડો.
• 17 જૂને દેશમાં કુલ ચોમાસાનો વરસાદ સરેરાશથી 36 ટકા વધુ નોંધાયો હતો.
• ગુરુવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 880 કરોડની વેચવાલી દર્શાવી હતી.
• સ્થાનિક ફંડ્સે બજારમાં રૂ. 45.24 કરોડની ખરીદી કરી હતી.
• કોલ ઈન્ડિયાએ કોલ-બેડ મિશેન એક્સટ્રેક્શન માટે પ્રથમ ઓર્ડર આપ્યો.
• જમ્મુ-કાશ્મીર બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 316 કરોડનો નફો નોંધાવ્યો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 294 કરોડની ખોટ દર્શાવી હતી. બેંકના પ્રોવિઝન્સમાં ઘટાડો થયો હતો. ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 8.71 ટકાથી વધી 9.67 ટકા જોવા મળી હતી.
• પાવરગ્રીડ કોર્પોરેશનને ચોથા ક્વાર્ટરમાં રૂ. 3520 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3210 કરોડ સામે 11 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ 3 શેર્સ સામે એક શેર્સનું બોનસ જાહેર કર્યું છે. તેમજ શેર દીઠ રૂ. 3નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.
Market Opening 18 June 2021
June 18, 2021