માર્કેટ સમરી
નિફ્ટી કોન્સોલિડેશનમાં, ઊંચા સ્તરે નડી રહેલો અવરોધ
ભારતીય શેરબજાર રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યું છે. માર્કેટને 14650-14790ની રેંજમાં અવરોધ નડી રહ્યો છે. ત્યાંથી તે પરત ફરી જાય છે. જ્યાં સુધી આ રેંજને પાર નહિ કરે ત્યાં સુધી બજારમાં મજબૂતીની શક્યતા નથી. વૈશ્વિક બજારના સપોર્ટ છતાં તે આ રેંજ પાર કરી શકવામાં સફળ રહ્યું નથી. બીજી બાજુ કોવિડ કેસિસ વધી રહ્યાં છે અને તેથી ટ્રેડર્સ સાવચેત જણાય છે.
એલ્યુમિનિયમન પાછળ ઉત્પાદક કંપનીઓના શેર્સ ટોચ પર
એલ્યુમિનિયમના ભાવ એમસીએક્સ ખાતે સર્વોચ્ચ સપાટી પર પહોંચતાં ઉત્પાદક કંપનીઓના ભાવમાં પણ તેજી જોવા મળી હતી. જેમાં બિરલા જૂથની હિંદાલ્કો 6 ટકાથી વધુ ઉછળી રૂ. 376.50ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ હતી. કંપનીએ રૂ. 84 હજાર કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. અન્ય એલ્યુમિનિયમ ઉત્પાદક વેદાંત લિ.નો શેર પણ 4 ટકા સુધરી રૂ. 235.25ની સપાટીએ ટ્રેડ થયો હતો. કંપનીએ રૂ. 86 હજાર કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. જાહેર ક્ષેત્રની એલ્યુમિનિયમ ઉત્પાદક નાલ્કોનો શેર 3 ટકાથી વધુ ઉછળી રૂ. 60.50ની ટોચ પર ટ્રેડ થયો હતો. જેમના માટે એલ્યુમિનિયમ બાયપ્રોડક્ટ હોય એવા અન્ય મેટલ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં પણ મજબૂતી જોવા મળી હતી.
યુએસ ડોલર સામે રૂપિયો 57 પૈસા સુધર્યો
સતત બીજા દિવસે સ્થાનિક ચલણમાં સુધારો જોવા મળ્યો હતો. ગ્રીન બેક સામે રૂપિયો 57 પેસા સુધરી 74.36ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે 13 પૈસાના સુધારા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં રૂપિયાનો આ સૌથી મોટો સુધારો હતો. જોકે સપ્તાહના અંતિમ બે દિવસોમાં સુધારા છતાં સાપ્તાહિક ધોરણે ડોલર સામે રૂપિયો 39 પૈસાની નરમાઈ સૂચવતો હતો. રૂપિયો પાંચ દિવસોમાં 172 પૈસાના તીવ્ર ઘટાડા બાદ બે દિવસમાં 70 પૈસાની રિકવરી દર્શાવી શક્યો છે. જ્યારે કેલેન્ડરમાં અત્યાર સુધી તે 3 ટકાથી સહેજ નીચા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
બેંકિંગ શેર્સમાં સુધારો ટકી શક્યો નહિ
ગુરુવારે નોંધપાત્ર સુધારો દર્શાવનાર બેંકિંગ શેર્સ શુક્રવારે મંદ રહ્યાં હતાં. બેંક નિફ્ટી દિવસભર નરમ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. જ્યારે વ્યક્તિગત બેંકિંગ શેર્સમાં એક ટકાથી વધુનો ઘટાડો હતો. જેમાં ખાનગી બેંકિંગ શેર્સ ઘટવામાં અગ્રણી હતાં. આઈસીઆઈસીઆઈ બેંક 1.24 ટકા ઘટાડા સાથે રૂ. 568 પર ટ્રેડ થતો હતો. જ્યારે તે સિવાય આરબીએલ બેંક, બંધન બેંક, કોટક બેંક અને એચડીએફસી બેંક જેવા અગ્રણી બેંકિંગ શેર્સ નરમાઈ દર્શાવતાં હતાં. જોકે આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, ફેડરલ બેંક અને પીએનબી બેંકમાં સુધારો જોવા મળતો હતો.
માર્ચ ક્વાર્ટરમાં ઈક્વિટી ફંડ્સની આઈટી અને મેટલ્સ શેર્સમાં ખરીદી
જ્યારે એનબીએફસી, બેંકિંગ, એફએમસીજી, ઈન્શ્યોરન્સ, ઓટો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડ્સની વેચવાલી
નાણા વર્ષ 2020-21માં સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સે વિક્રમી રૂ. 1,22,704 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી
શેરબજારમાં તેની ફેબ્રુઆરીની ટોચ પરથી જોવા મળેલા કરેક્શને સ્થાનિક મ્યુચ્યુલ ફંડ મેનેજર્સને ખરીદી કરવા માટે પ્રેરણા આપી હતી. જોકે આમ છતાં તેમણે બજારમાં મન મૂકી ખરીદી નહોતી જ કરી. કેલેન્ડર 2016 અને 2017ની સરખામણીમાં ફંડ્સે માર્ચમાં દર્શાવેલો રૂ. 9115નો ઈનફ્લો ભાવની સપાટીને જોતાં ઓછો જ છે. જોકે સતત આંઠ મહિના બાદ તેઓએ બજારમાં પોઝીટીવ વલણ દર્શાવ્યું હતું તે મહત્વનું હતું.
2020-21માં તેમણે કુલ રૂ. 1,22,704ની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. જે અત્યાર સુધી કોઈ પણ નાણા વર્ષમાં તેમનો સૌથી મોટો આઉટફ્લો હતો. નોંધપાત્ર બાબત એ છે કે માર્ચ મહિનામાં મ્યુચ્યુલ ફંડ્સે તેમના પોર્ટફોલિયોમાં નોંધપાત્ર ચર્નિંગ દર્શાવ્યું હતું. જેમાં તેમણે આઈટી, બેંકિંગ અને મેટલ્સમાં ખરીદી દર્શાવી હતી. જ્યારે એનબીએફસી, એફએમસીજી, ઈન્શ્યોરન્સ, ઓટોમોબાઈલ અને હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચાણ નોંધાવ્યું હતું. નિફ્ટી-50 કાઉન્ટર્સમાં ફંડ્સે અદાણી પોર્ટ્સ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, બીપીસીએલ, હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ સ્ટીલ અને પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ખરીદી કરી હતી. જ્યારે બીજી બાજુ તેમણે એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, હીરોમોટોકો, એમએન્ડએમ, મારુતિ સુઝકી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલી ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. મ્યુચ્યુલ ફંડ્સે માર્ચ મહિનામાં આંઠ મહિના બાદ નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. મ્યુચ્યુલ ફંડ્સના આઉટફ્લોનો ટ્રેન્ડ હવે રિવર્સ થયું હોવાનું જણાવતાં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટનો અભ્યાસ ઉમેરે છે કે મેચ્યોર્ડ ઈન્વેસ્ટર્સ દરેક ઘટાડે બજારમાં ખરીદી કરે તેવી શક્યતા છે.
માર્ચ મહિનામાં ફંડ્સની આઈપીઓમાં પણ મોટી ખરીદી જોવા મળી હતી. તેમણે સાત આઈપીઓમાં મળીને કુલ રૂ. 881 કરોડની ખરીદી કરી હતી. આ રકમ તેમણે અનુપમ રસાયણ, બાર્બેક્યૂ નેશન, ક્રાફ્ટમેન ઓટોમેશન, ઈઝી ટ્રીપ પ્લાનર્સ, કલ્ણાય જ્વેરર્સ, લક્ષ્મી ઓર્ગેનિક અને નઝારા ટેકનોલોજિસમાં રોકી હતી. સાથે તેમણે અન્ય 16 શેર્સમાં રૂ. 1863.23 કરોડની ખરીદી કરી હતી. ફંડ્સે જે કાઉન્ટર્સમાં નવેસરથી ખરીદી કરી હતી તેમાં એક્રિસિલ, ડેન નેટવર્કસ, હેમિસ્ફિઅર પ્રોપર્ટીઝ ઈન્ડિયા, ઈન્ડો કાઉન્ટ ઈન્ડસ્ટ્રીઝ, આઈનોક્સ વિન્ડ એનર્જી, જેએસડબલ્યુ ઈસ્પાત સ્પેશ્યલ પ્રોડક્ટ્સ, મોલ્ડટેક પેકેજિંગ પાર્ટલી પેઈડનો સમાવેશ થતો હતો. આ સિવાય તેમણે પીએસયૂ બેંક પંજાબ એન્ડ સિંધમાં પણ ખરીદી કરી હતી. તો સામે આંઠ કાઉન્ટર્સ એવા હતાં જેમાં ફંડ્સે એક્ઝિટ લીધી હતી. જેમાં અક્ષરકેમ, એચઆઈએલ, મેંગલોક કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝરર્સ, પ્લાસ્ટીબ્લેન્ડ્સ ઈન્ડિયા, આરપીએસજી વેન્ચર્સ, શ્રેનો, સીટી નેટવર્ક્સ અને વી2 રિટેલનો સમાવેશ થતો હતો. એક અન્ય નોંધપાત્ર બાબત એ હતી કે ફેબ્રુઆરીમાં રૂ. 7528 કરોડના એસઆઈપી ફ્લો સામે માર્ચમાં તે રૂ. 9182 કરોડની વિક્રમી સપાટી પર રહ્યો હતો. ફંડ મેનેજર્સના માનવા મુજબ માર્ચમાં તમામ ફંડ કેટેગરીઝમાં ફંડ ફ્લો પોઝીટીવ રહ્યો હોવા છતાં હજુ એવા નિષ્કર્ષ પર આવી શકાય નહિ કે બજારને બહારથી જોઈ રહેલા રોકાણકારો હવે બજારમાં ફંડની ફાળવણી કરવા લાગ્યો છે. જોકે તેઓ માને છે કે રિડમ્પ્શનના પ્રમાણમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે. આમ પ્રોફિટ બુકિંગ અને અન્ય એસેટ ક્લાસિસને ફાળવણીમાં ચોક્કસ ઘટાડો થયો છે.