Market Summary 26 March 2021

માર્કેટ સમરી

 

મેટલ શેર્સમાં ભારે લેવાલી વચ્ચે સતત બીજા દિવસે ઉછળ્યાં

સ્ટીલ શેર્સની આગેવાનીમાં નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.7 ટકા ઉછળી બંધ આવ્યો

શેરબજામાં મેટલ શેર્સે સતત બીજા દિવસે મજબૂતી જાળવી રાખી હતી. ગુરુવારે માર્ચ એક્સપાયરીના દિવસે બજારમાં તીવ્ર ઘટાડા વખતે તળિયાના ભાવથી પરત ફરેલા મેટલ શેર્સ શુક્રવારે નવી ટોચ પર પહોંચ્યાં હતાં અને તેમણે બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડવા સાથે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. એનએસઈ ખાતે સેક્ટરલ સૂચકાંકોમાં મેટલ ઈન્ડેક્સે 3.7 ટકા સાથે સૌથી વધુ સુધારો નોંધાવ્યો હતો.

મેટલ ક્ષેત્રે સ્ટીલ કંપનીઓ રોકાણકારોના રડાર પર છે અને તેમાં દરેક ઘટાડો લેવાલી જોવા મળે છે. જેને કારણે મોટાભાગની કંપનીઓ તેમની સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ થઈ રહી છે. જ્યારે કેટલીક કંપનીઓ અંતિમ દાયકાની ટોચ પર ટ્રેડ થઈ રહી છે. શુક્રવારે જેએસડબલ્યુ સ્ટીલે રૂ. 452ની તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી અને કંપની ફરી રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપ પર જોવા મળી હતી. કંપનીનો શેર વાર્ષિક રૂ. 132ના તળિયાના ભાવેથી સાડા ત્રણ ગણો સુધારો દર્શાવી રહ્યો છે. શુક્રવારે સૌથી સારો સુધારો પીએસયૂ સ્ટીલ કંપની સેઈલમાં જોવા મળ્યો હતો અને તે બે મહિના અગાઉની તેની ટોચ નજીક પહોંચ્યો હતો. કંપનીનો શેર 6 ટકાથી વધુ ઉછળ્યો હતો અને રૂ. 76.75 પર બંધ રહ્યો હતો. તેણે જાન્યુઆરીમાં રૂ. 81.50ની તેની ઘણો વર્ષોની ટોચ દર્શાવી હતી. ટાટા જૂથની ટાટા સ્ટીલનો શેર પણ 6 ટકાથી વધુના સુધારે રૂ. 767ના તાજેતરના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. સ્ટીલ ક્ષેત્રે તે તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. સ્ટીલ ક્ષેત્રની જ જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર પણ 5 ટકા ઉછળ્યો હતો. જ્યારે સ્ટીલ સિવાય મેટલ ક્ષેત્રે હિંદુસ્તાન ઝીંક(4.3 ટકા), હિંદાલ્કો(4.1 ટકા), વેલસ્પન કોર્પ(3.5 ટકા), નાલ્કો(3.4 ટકા), એપીએલ એપોલો(3.4ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. હાલમાં ચીન તેની જરૂરિયાત સામે માંડ 50 ટકા સ્ટીલ ઉત્પાદન કરી રહ્યું છે અને તેથી તે ભારત જેવા સૌથી સસ્તાં સ્ટીલ ઉત્પાદક પાસેથી મોટી માત્રામાં સ્ટીલની આયાત કરી રહ્યું છે. જેથી વૈશ્વિક સ્તરે સ્ટીલના ભાવમાં તેજી જળવાયેલી છે. મેટલ એનાલિસ્ટ્સના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં બેઝ મેટલ્સની સરખામણીમાં સ્ટીલના ભાવ અન્ડરપર્ફોર્મર રહ્યાં હતાં અને તેથી આગામી સમયગાળામાં તે ચડિયાતો દેખાવ દર્શાવશે. જેની પાછળ સ્ટીલ ઉત્પાદકોને મોટો લાભ મળશે.

 

મેટલ શેર્સનો શુક્રવારે દેખાવ

કંપની           વૃદ્ધિ(%)

સેઈલ           6.23

ટાટા સ્ટીલ       6.04

જિંદાલ સ્ટીલ    5.00

હિંદુ ઝીંક         4.30

હિંદાલ્કો          4.20

વેલસ્પન કોર્પ    3.60

નાલ્કો           3.40

એપીએલ એપોલો       3.40

એનએમડીસી    2.00

વેદાંત           2.00

 

 

 

 

સાયરસ મિસ્ત્રીને ફરી ટાટા ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાના આદેશને સુપ્રીમે ફગાવ્યો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સાયરસ મિસ્ત્રીની એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેની નિમણૂંક કરવા અંગે એનસીએલએટીના ચુકાદાને ફગાવીને ટાટા ગ્રૂપને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટીસ એસએ બોબડે અને જસ્ટીસ એસએ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની બેંચે ટાટા ગ્રૂપની અપીલને માન્ય રાખી હતી. બેંચે જણાવ્યું હતું કે, તે 18 ડિસેમ્બર, 2019ના રોજ નેશનલ કંપની લો એપેલટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)ના આદેશને ફગાવે છે. કોર્ટે કહ્યું હતું કે, કાયદાના તમામ પ્રશ્નોના જવાબ અરજદાર ટાટા ગ્રૂપની તરફેણમાં આપવામાં આવે છે અને ટાટા ગ્રૂપ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને સ્વિકારવામાં આવે છે તથા શાપૂરજી પલોનજી ગ્રૂપની અરજીને ફગાવવામાં આવે છે. ગત વર્ષે 17 ડિસેમ્બરે શાપૂરજી પલોનજી (એસપી) ગ્રૂપે સર્વોચ્ચ કોર્ટને જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2016માં ટાટા સન્સની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે મિસ્ત્રીને હટાવવા અયોગ્ય ગણાવ્યું હતું તથા કોર્પોરેટ ગવર્નન્સ અને આર્ટિકલ ઓફ એસોસિયેશનના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ટાટા ગ્રૂપે આક્ષેપોને જોરદાર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કોઇપણ ગેરરીતિ થઇ નથી તથા બોર્ડ પાસે ચેરમેન તરીકે મિસ્ત્રીને હટાવવાનો અધિકાર છે.

કલ્યાણ જ્વેલર્સ અને સૂર્યોદય સ્મોલ ફાઈ. બેંકનું નબળું લિસ્ટીંગ

ચાલુ સપ્તાહ આઈપીઓ માર્કેટ ઈન્વેસ્ટર્સ માટે નિરાશાજનક બની રહ્યું છે. શુક્રવારે વધુ બે કંપનીઓના લિસ્ટીંગ તેમના ઓફર ભાવથી નીચા થયાં હતાં તેમજ કંપનીના શેર્સે બંધ પણ ઓફરભાવથી નીચે જ આપ્યાં હતું. તાજેતરમાં સૌથી મોટા આઈપીઓ એવા કલ્યાણ જ્વેલર્સનો શેર રૂ. 87ના ઓફરભાવ સામે 15 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ. 73.90ના સ્તરે લિસ્ટ થયો હતો. જ્યારબાદ તે સાંકડી રેંજમાં અથડાતો રહ્યો હતો અને આખરે 14 ટકા નીચે રૂ. 75.20ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. રૂ. 305ના ભાવે શેર ઓફર કરનાર સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર 4 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ. 293ના સ્તરે ખૂલી વધુ ઘટાડે રૂ. 255ના તળિયા પર જોવા મળ્યો હતો. જ્યાંથી સુધરી રૂ. 296ની ટોચ બનાવી કામકાજના અંતે 9 ટકા ઘટાડે રૂ. 277.80 પર બંધ રહ્યો હતો.

સ્ટ્રાઈડ્સ ફાર્મા સાયન્સનો શેર્સ 20 ટકા ઉછળ્યો

ફાર્મા કંપની સ્ટ્રાઈડ્સ ફાર્મા સાયન્સનો શેર શુક્રવારે 20 ટકા ઉછળ્યો હતો. કંપનીનો શેર રૂ. 747ના અગાઉના બંધ સામે રૂ. 144ના ઉછાળે રૂ. 891 પર ટ્રડે થયો હતો અને આખરે 15 ટકા સુધારે રૂ.856ની સપાટી પર બંધ રહ્યો હતો. શેર રૂ. 1000ની વાર્ષિક ટોચથી હજુ 15 ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

 

 

માર્કેટમાં લંબાય ગયેલા રેંજ બાઉન્ડ ટ્રેડથી એનાલિસ્ટ્સ ને ટ્રેડર્સ અકળાયાં

સામાન્યરીતે સપ્તાહ બે સપ્તાહ માટે ચાલતી ચોપીનેસ એક મહિના ઉપરાંતથી જોવા મળી રહી છે

છેલ્લા મહિનામાં કોન્ટ્રેરિયન ટ્રેડર્સ ફાવ્યાં જ્યારે ટ્રેન્ડ ફોલો કરતાં ટ્રેડર્સે મોટું નુકસાન કર્યું

 

શેરબજારમાં એપ્રિલ ડેરિવેટિવ્સ સિરિઝની શરૂઆત સારી રહી હતી. જોકે ગુરુવારે શોર્ટ પોઝીશન્સ રોલઓવર કરીને ગયેલા ટ્રેડર્સ ભારે અકળામણમાં હતાં. માર્ચ એક્સપાયરીના દિવસે બેન્ચમાર્ક નિફ્ટીએ ઘટાડા બાજુએ મહત્વનું બ્રેકઆઉટ દર્શાવતાં શોર્ટ ટ્રેડર્સે ઊંચા આત્મવિશ્વાસ સાથે તેમની શોર્ટ પોઝીશનને નવી સિરિઝમાં કેરી ફોરવર્ડ કરી હતી અને તે કારણથી જ નિફ્ટીમાં 72 ટકાનું નોંધપાત્ર રોલઓવર જોવા મળ્યું હતું.

જોકે વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ ગેપ-અપ ઓપનીંગ બાદ ભારતીય બજારે ઓર સુધારો દર્શાવ્યો હતો અને એક ટકાથી વધુ સુધારા સાથે બંધ પણ આપ્યું હતું. જેણો શોર્ટ ટ્રેડર્સને ચિંતિત કર્યા હતાં. મોટાભાગનો એનાલિસ્ટ્સ ગુરુવારે બજારના નબળા બંધ બાદ એવું માનતો હતો કે માર્કેટ આગામી દિવસોમાં ઝડપી ઘટાડો દર્શાવશે. તેમજ માર્ચ મહિનામાં જોવા મળેલી બે બાજુની વધ-ઘટના દિવસો બ્રેકઆઉટ સાથે પૂરાં થશે અને માર્કેટ ઘટાડાતરફી એક દિશામાં ગતિ કરતું જોવાશે. જોકે આનાથી ઊલટું શુક્રવારે બજાર પર તેજીવાળાઓની પકડ મજબૂત જળવાય હતી અને ગુરુવારે આપવામાં આવેલા પોઝીશ્નલ ટ્રેડના સ્ટોપલોસ પાર થયાં હતાં. બજારની આ મૂવમેન્ટથી ટેકનિકલ એનાલિસ્ટ્સને અકળાયાં હતાં. કેમકે ગુરુવારે નિફ્ટીમાં 14350 તૂટતાં સહુએ 14600ના સ્ટોપલોસ સાથે 14000 અને 13600ના ટાર્ગેટ્સ આપતી નોટ્સ તેમના ગ્રાહકોને મોકલી હતી. જ્યારે આનાથી ઉલટું નિફ્ટીએ 14573ની ટોચ દર્શાવી હતી. તેમજ વૈશ્વિક બજારોમાં ટ્રેન્ડ મજબૂત ટકશે તો નવા સપ્તાહે સ્ટોપલોસ ટ્રિગર થવાની ચિંતા જોવા મળતી હતી. એચડીએફસી સિક્યૂરિટીઝના સિનિયર એનાલિસ્ટ વિનય રાજાણી જણાવે છે કે સામાન્યરીતે આ પ્રકારે ચોપી અથવા તો રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવતો સમયગાળા એકથી બે સપ્તાહ માટે જોવા મળતો હોય છે. જ્યારે આ વખતે તે ફેબ્રુઆરીમાં બજેટના ઉછાળા બાદ બજારની ટોચ બની ત્યારથી જોવા મળી રહ્યો છે. જે દરમિયાન ટ્રેન્ડને અનુસરનારા ટ્રેડર્સ ખૂબ હેરાન થયાં છે. તેમણે લીધેલી પોઝીશન બાદ બજાર ઓવરનાઈટ ટ્રેન્ડ બદલી નાખે છે અને સરવાળે તેમણે લોસ બુક કરવો જ પડે છે. જો આ પ્રકારની સ્થિતિ લાંબી ચાલે તો બજારમાં ટ્રેડિંગ વોલ્યુમ પર ગંભીર અસર પડી શકે છે. કેમકે સરવાળે આ પ્રકારની મૂવમેન્ટમાં કોઈ કમાણી કરી શકતું નથી. માત્ર જેઓ કોન્ટ્રેરિટન કોલ લેતાં હોય છે તેવા ટ્રેડર્સને આ પ્રકારની માર્કેટ મૂવમેન્ટથી લાભ મળે છે. સામાન્યરીતે તેઓ કોલ વેચવાની સ્ટ્રેટેજી અપનાવતાં હોય છે.

માત્ર ડેરિવેટિવ્સ ટ્રેડર્સ જ નહિ ડિલિવરી લઈને કામ કરનારા ટ્રેડર્સ પણ માર્ચ મહિનામાં કમાણી કરી શક્યાં નથી. બજારમાં એકાંતરે દિવસે બે બાજુની વધ-ઘટને કારણે તેમણે ગભરાટમાં નુકસાનીમાં માલ વેચવો પડ્યો હોવાનું બન્યું છે. જેઓએ ફેબ્રુઆરીમાં ઊંચા ભાવે મીડ-કેપ્સમાં ખરીદી કરી હતી તેમના પોર્ટફોલિયોમાં સારુ એવું મૂલ્ય ધોવાણ પણ નોંધાયું છે. કેમકે મોટાભાગના મીડ અને સ્મોલ-કેપ્સ તેમની ટોચથી 30 ટકા જેટલું કરેક્શન દર્શાવી ચૂક્યાં છે. જ્યારે કેટલાક કિસ્સામાં આનાથી પણ વધુ ઘટાડો જોવા મળ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage