માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં નરમાઈ પાછળ એશિયન બજારો ડાઉન
યુએસ ખાતે સતત બીજા દિવસે બજારો ઘટીને બંધ આવ્યાં હતાં. જેને કારણે એશિયન બજારોમાં ગેપ-ડાઉન ઓપનીંગ જોવા મળ્યું હતું. હાલમાં અગ્રણી એશિયન બજારો 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ 2 ટકા સાથે સૌથી ખરાબ જોવા મળે છે. એ સિવાય હોંગ કોંગ બજાર એક ટકો ડાઉન છે. જ્યારે કોરિયા 0.8 ટકા, તાઈવાન 0.5 ટકા અને ચીન પણ 0.5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 346 પોઈન્ટ્સ તૂટી 30924 પર જ્યારે નાસ્ડેક 274 પોઈન્ટ્સના ઘટાડે 12723 પર બંધ રહ્યાં હતાં.
SGX નિફ્ટી 15000ની નીચે
સિંગાપુર નિફ્ટી 132 પોઈન્ટ્સની નરમાઈ સાથે 14940 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ 15000ના સ્તર નીચે ઓપન થશે. ગુરુવારે પણ સ્થાનિક બજારે તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યાંથી નિફ્ટી નોંધપાત્ર રિકવર થયો હતો. જોકે આખરે તે એક ટકાથી વધુના ઘટાડે બંધ રહ્યો હતો.
ક્રૂડમાં 13 મહિનાની નવી ટોચ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સુધારાની ચાલ અકબંધ છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 66 ડોલરની સપાટીને પાર કરી ગયો છે. હાલમાં તે એક ટકા સુધારા સાથે 67.46 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. જે તાજેતરની ટોચ છે. ભારતીય અર્થતંત્ર માટે ક્રૂડના ભાવમાં મજબૂતી મોટી ચિંતાનું કારણ બની શકે છે. સરકારે પેટ્રો પેદાશો પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની વાત કરી છે. જોકે તેમ છતાં પેટ્રોલ-ડિઝલના ભાવ નોંધપાત્ર ઊંચાઈ પર ટ્રેડ થશે.
ગોલ્ડમાં સતત વેચવાલી
ગોલ્ડ-સિલ્વરના ભાવમાં વેચવાલીનો દોર અકબંધ છે. વૈશ્વિક બજારમાં સોનું 1700 ડોલરની સપાટી તોડી નીચે ઉતરી ગયું છે. આજે સવારે તે 9 ડોલરની નરમાઈ સાથે 1692 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી પણ 0.6 ટકાના ઘટાડે 25.31 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. સ્થાનિક કોમેક્સ ખાતે ગુરુવારે રાતે ગોલ્ડ એપ્રિલ વાયદો એક ટકો તૂટી રૂ. 44535 પર બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વર માર્ચ વાયદો 3 ટકા અથવા રૂ. 2067ના ઘટાડે રૂ. 65933 પર બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
- વિપ્રોએ યુકેની કેપ્કોની 1.5 અબજ ડોલરમાં ખરીદી કરી.
- ફ્લિપકાર્ટ યુએસ ખાતે લિસ્ટીંગ માટેનો વિકલ્પ ચકાસી રહ્યું છે.
- આર્સેલર મિત્તલ ઓરિસ્સા ખાતે 6.9 અબજ ડોલરના રોકાણ સાથે સ્ટીલ પ્લાન્ટ માટે વિચારી રહ્યું છે.
- આરબીઆઈ 10 માર્ચે ઓપરેશન ટ્વિસ્ટ હેઠળ બોન્ડ્સની ખરીદ-વેચાણ કરશે.
- ઈપીએફઓએ 2020-21 માટે 8.5 ટકાના દરે ઈન્ટરેસ્ટ રેટ જાળવી રાખ્યાં છે.
- કોલ ઈન્ડિયા વચગાળાના ડિવિડન્ડ માટે વિચારણા કરશે.
- રિન્યૂના સિંહાના જણાવ્યા અનુસાર ભારત 120 ગીગા વોટની રુફટોપ સોલાર પાવર ઉત્પાદન શક્યતા ધરાવે છે.
- ગુરુવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં કુલ રૂ. 223 કરોડનું વેચાણ કર્યું હતું.
- ઈન્ડિયન બેંક 9 માર્ચે મૂડી ઊભી કરવા માટે વિચારણા કરશે. બેંકે ત્રણ લોન એકાઉન્ટ્સને ડિફોલ્ટ જાહેર કર્યાં છે.
- ઈરકોન ઈન્ટરનેશનલમાં સરકારનો એફપીઓ 2.1 ગણો છલકાઈ ગયો હતો.
- કોટક બેંકે સેલર એકાઉન્ટ માટે ભારતીય આર્મી સાથે કરાર કર્યો છે.
- એનટીપીસી 7 વર્ષની મુદતની યુરો-ડિનોમિનેટેડ લોન લેવા જઈ રહી છે.
- ટોરેન્ટની માલિકીની યુનિકેમ લેબોરેટરીઝે ગુઆનફેસીન ટેબલેટ્સ માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે.