માર્કેટ સમરી
નિફ્ટી મજબૂત બંધ આપવામાં સફળ
ભારતીય બજારમાં સોમવારે તેજીવાળાઓએ ઈંટનો જવાબ પત્થરથી આપ્યો હતો. શુક્રવારે 500થી વધુ પોઈન્ટ્સના ઘટાડા સામે સોમવારે નિફ્ટી 232 પોઈન્ટ્સની મજબૂતી સાથે 14762ના સ્તરે બંધ રહ્યો હતો. આમ 14750ના અવરોધ પર તે આસાનીથી બંધ આપવામાં સફળ રહ્યો હતો. બેન્ચમાર્કને 14900નો અવરોધ છે. જો વૈશ્વિક બજારો સાથ આપશે તો તે હવે આ સ્તરને પણ પાર કરી શકે છે. બેન્ચમાર્ક સેન્સેક્સ જોકે 50 હજારના સ્તર પર બંધ આપી શક્યો નહોતો.
ઈન્ડિયા વીક્સ 9 ટકા તૂટ્યો
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 9 ટકાના ઘટાડે 25.62 પર બંધ રહ્યો હતો. આમ વોલેટિલિટીમાં ઘટાડો તેજીવાળાઓને માટે રાહતદાયી હતો. બજાર દિવસ દરમિયાન તેની ટોચ નજીક જ ટ્રેડ થતું રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં મજબૂતી જોતાં વીક્સમાં વધુ ઘટાડો સંભવ છે.
આઈઆરસીટીસીના શેરમાં 12 ટકા ઉછળ્યો
રેલ્વે સંબંધિત સેવાઓ સાથે જોડાયેલી કંપની આઈઆરસીટીસીનો શેર સોમવારે કામકાજ બંધ થવાની ગણતરીની મિનિટ્સ પહેલા 12 ટકાનો તીવ્ર સુધારો દર્શાવતો હતો. કંપનીનો શેર બીએસઈ ખાતે અગાઉના રૂ. 1759ના બંધ સામે રૂ. 215ના ઉછાળે રૂ. 1974ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 31 હજાર કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 775ના તળિયાથી 160 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. રેલ્વે સાથે સંકળાયેલી લિસ્ટેડ કંપનીઓમાં તે ટોચનો પર્ફોર્મર શેર છે.
BEML, BEL અને BHELના શેર્સ વાર્ષિક ટોચ પર
સરકારી સાહસો બીઈએમએલ, બેલ અને ભેલના શેર્સમાં સોમવારે ખરીદી જળવાય હતી. ત્રણેય કંપનીઓના શેર્સ તેમની વાર્ષિક ટોચ પર પહોંચ્યાં હતાં. જેમાં કમર્સિયલ વેહીકલ ઉત્પાદક બીઈએમએલનો શેર 8 ટકાથી વધુ ઉછળી રૂ. 1166ની છેલ્લા ઘણા સમયની ટોચ પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 370ના બોટમથી લગભગ ત્રણ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. બીઈએલનો શેર 6 ટકાથી વધુ ઉછળી રૂ. 146.95ની 52-સપ્તાહની ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે માર્ચ 2020માં રૂ. 56નું તળિયું બનાવ્યું હતું. કેપિટલ ગુડ્ઝ કંપની ભેલનો શેર રૂ. 49.60ની વાર્ષિક ટોચ બનાવી 3 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.
સોનુ-ચાંદીમાં ઉઘડતા સપ્તાહે પોઝીટીવ ઓપનીંગ
બુલિયનમાં સપ્તાહની શરૂઆત સારી રહી છે. વૈશ્વિક બજારોમાં સોનું-ચાંદીમાં મજબૂતી પાછળ સ્થાનિક સ્તરે પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો 0.4 ટકા અથવા રૂ. 185ની મજબૂતી સાથે રૂ. 45921 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે તેણે રૂ. 46139ની ટોચ બનાવી હતી. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 20 ડોલરનો સુધારો દર્શાવતું હતું. ચાંદીમાં 1.5 ટકાનો સુધારો જોવા મળ્યો હતો અને સિલ્વર માર્ચ વાયદો રૂ. 900ના સુધારે રૂ. 68153 પર ટ્રેડ થતો હતો. તેણે રૂ. 68575ની ટોચ દર્શાવી હતી. ક્રૂડ સાધારણ નરમાઈ સાથે રૂ. 4600ની નીચે ટ્રેડ થઈ રહ્યું હતું.
ફર્ટિલાઈઝર-કેમિકલ્સ શેર્સમાં સાર્વત્રિક ભારે લેવાલી
પીએસયૂ ખાતર ઉત્પાદક કંપનીઓના શેર્સ 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં
વિવિધ કેમિકલ્સના ભાવમાં છેલ્લા મહિનામાં નોંધપાત્ર વૃદ્ધિની અસર કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ ઉત્પાદક કંપનીઓના શેર્સ પર જોવા મળી રહી છે. આયાત પર એન્ટી-ડમ્પીંગને કારણે સ્થાનિક ઉત્પાદકોને નોંધપાત્ર લાભ મળવાની ધારણાએ સોમવારે અગ્રણી કંપનીઓના શેર્સમાં 20 ટકાની ઉપલી સર્કિટ્સ જોવા મળી હતી. જેમાં પબ્લિક ઉપરાંત પ્રાઈવેટ પ્લેયર્સનો સમાવેશ થતો હતો.
ફર્ટિલાઈઝર ઉત્પાદકોના શેર્સ ગયા સપ્તાહથી જ લાઈમલાઈટમાં જોવા મળતાં હતાં. જોકે સોમવારે તેમણે આક્રમક લેવાલી દર્શાવી હતી. જેમકે કેન્દ્ર સરકારના સાહસ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઝર્સોન શેર અગાઉના બંધ સામે 20 ટકા અથવા રૂ. 15.15 ઉછળી રૂ. 91.05ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેની છેલ્લા ત્રણ વર્ષની ટોચ હતી. કંપનીનો શેર શુક્રવારે પણ 10 ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. અન્ય પીએસયૂ સાહસ નેશનલ ફર્ટિલાઈઝરનો શેર પણ 20 ટકા અથવા રૂ. 10.60ના ઉછાળે રૂ. 63.70ની ઘણા સમયની ટોચ પર બંધ રહ્યો હતો. તે માર્ચ 2020ના રૂ. 15ના તળિયા સામે ચાર ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. ખાનગી ફર્ટિલાઈઝર પ્લેયર દિપક ફર્ટિલાઈઝરનો શેર 15 ટકાથી વધુ ઉછળી રૂ. 212.35 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 219ની ત્રણ વર્ષની ટોચ દર્શાવી હતી. ગુજરાત સરકારના બે સાહસો જીએનએફસી અને જીએસએફસીના શેર્સમા પણ ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં જીએનએફસીનો શેર કેલેન્ડર 2017 બાદ રૂ. 300ની સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીની ત્રણ પ્રોડક્ટ્સના ભાવમાં તીવ્ર વૃદ્ધિ પાછળ શેરમાં અંતિમ ચાર ટ્રેડિંગ સત્રોમાં 30 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. જેમાં સોમવારે શેર 13 ટકા અથવા રૂ. 38ના ઉછાળે રૂ. 329 પર બંધ રહ્યો હતો. તેણે રૂ. 335ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી. કંપની રૂ. 5000 કરોડના માર્કેટ-કેપને પાર કરી રાજ્ય સરકારનું સૌથી મોટું જાહેરસાહસ બની હતી. જીએસએફસીનો શેર 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 100ની સપાટી વટાવી ગયો હતો. ખાનગી કેમિકલ પ્લેયર દિપક નાઈટ્રેટનો શેર પણ 14 ટકા ઉછળ્યો હતો અને રૂ. 1574ની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો. આ ઉપરાંત ચંબલ ફર્ટિલાઈઝર, સુદર્શન કેમિકલ અને કોરોમંડલ ઈન્ટરનેશનલના શેર્સમાં પણ ખરીદી જોવા મળી હતી.
સોમવારે ફર્ટિલાઈઝર્સ-કેમિકલ્સ કંપનીઓનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
આરસીએફ 20
એનએફએલ 20
દિપક ફર્ટિલાઈઝર 15.13
દિપક નાઈટ્રેટ 14.32
જીએસએફસી 13
જીએનએફસી 13
સુદર્શન કેમિકલ 9.10
ચંબલ ફર્ટિલાઈઝર 6.0
કોરોમંડલ ઈન્ટર. 2.0