મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 14500નું સ્તર પાર કર્યું, સેન્સેક્સ ફરી 49000 પર
સતત બે દિવસ દરમિયાન ઘટાડા બાદ ભારતીય બજારમાં તેજી પરત ફરી હતી. જેમાં બેન્ચમાર્ક નિફ્ટી 216 પોઈન્ટ્સ સુધરી 14500ના સ્તરને કૂદાવી ગયો હતો. જ્યારે સેન્સેક્સ 800 પોઈન્ટ્સ ઉછળી 49000ના સ્તરને પાર કરી ગયો હતો. બંને બેન્ચમાર્ક્સ 1.5 ટકાથી વધુનો ઉછાળો દર્શાવતાં હતાં. માર્કેટને તમામ ક્ષેત્ર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો.
ઈન્ડિયન વીઆઈએક્સ 5 ટકા તૂટ્યો
છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોથી સતત વૃદ્ધિ દર્શાવી રહેલો વોલેટિલિટી ઈન્ડેક્સ મંગળવારે 5 ટકા કરતાં વધુ તૂટ્યો હતો. સોમવારે તે 3 ટકાથી વધુના સુધારે 24ના સ્તરને પાર કરી ગયો હતો. જોકે મંગળવારે તે 5.1 ટકા ઘટી 23.16ના સ્તરે જોવા મળ્યો હતો. બજાર એક દિશામાં સુધરતું રહ્યું હતું અને માર્કેટ-બ્રેડ્થ પણ સારી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3000 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2100માં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 725 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. આમ ત્રણ શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો જોવા મળતો હતો.
રિઅલ્ટી 4 ટકા ઉછળ્યો, ફાર્મા, બેંક નિફ્ટીનો સપોર્ટ
નિફ્ટી રિઅલ્ટી 4 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે ફાર્મા નિફ્ટી 1.45 ટકા અને બેંક નિફ્ટી 1.42 ટકા મજબૂતી દર્શાવતાં હતાં. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ એનર્જિ ઈન્ડેક્સ પણ 1.8 ટકા જેટલો મજબૂત હતો. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ અને ઓટોમાં પણ એક ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો.
મીડ-કેપ આઉટપર્ફોર્મર્સ
માર્કેટમાં બ્રોડ બેઝ તેજી જોવા મળી હતી. જેમાં ઘણા મીડ-કેપ્સ 10 ટકા સુધીનો ઉછાળો દર્શાવતાં હતાં. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી સારા પરિણામો પાછળ 10 ટકા સુધર્યો હતો. એચએફસીએલ 10 ટકા, એપ્કો ટેક્સ 9 ટકા, એલટીટીએસ 8 ટકા, એલએન્ડટી ફાઈ. 8 ટકા, સોભા ડેવલપર્સ 8 ટકા, ઈન્ડોકો રેમેડિઝ 7 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.
ટાટા જૂથની આઈટી કંપનીઓ સર્વોચ્ચ સપાટીએ
ટાટા જૂથની લાર્જ-કેપ અને મીડ-કેપ આઈટી કંપનીઓમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. ટાટા કન્સલ્ટન્સીનો શેર મંગળવારે એક ટકાથી વધુ સુધરી રૂ. 3279ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 3000ના બાય-બેક ભાવથી લગભગ 10 ટકા જેટલો સુધારો દર્શાવી ચૂક્યો છે. જ્યારે માર્કેટ-કેપમાં રૂ. 12.2 લાખ કરોડ પર પહોંચ્યો છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી રૂ. 70 હજાર કરોડ છેટે ટ્રેડ થઈ રહ્યો છે. જૂથની અન્ય કંપની ટાટા એલેક્સિનો શેર છેલ્લા કેટલાક સત્રોથી સતત ઉછળી રહ્યો છે. અંતિમ 15 ટ્રેડિંગ સત્રોમાં તે 50 ટકાથી વધુ ઉછળ્યો છે. મંગળવારે કંપનીનો શેર 5 ટકાથી વધુના સુધારે રૂ. 2643ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે તેણે રૂ. 16 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. કંપનીનો શેર માર્ચમાં ર5. 501ના તળિયાથી પાંચ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
સોનુ-ચાંદી બીજા દિવસે પણ પોઝીટીવ
ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને પગલે સોનું-ચાંદી નવા સપ્તાહના બીજા દિવસે પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં રહ્યાં હતાં. એમસીએક્સ ખાતે સોનું સાધારણ સુધારે રૂ. 49925ના સ્તર પર ટ્રેડ થતું હતું. જોકે તેને રૂ. 50 હજાર પાર કરવામાં તકલીફ પડી રહી છે. વૈશ્વિક બજારમાં સોનુ 1838 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એમસીએક્સ ચાંદી રૂ. 255ના સુધારે રૂ. 65685ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ચાંદી ફરી 25 ડોલરના સ્તરને પાર કરી ગઈ હતી. બેઝ મેટલ્સમાં જોકે નરમાઈ જોવા મળતી હતી અને કોપર સહિતની ધાતુઓ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી.