નિફ્ટી નવી ટોચ પર બંધ
બેન્ચમાર્ક 13597ની ટોચ પર ખૂલી ઈન્ટ્રા-ડે 13472નું સ્તર દર્શાવીને 13558ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. બજારે ઈન્ટ્રા-ડે કરેક્શનની પેટર્ન જાળવી છે અને તબક્કાવાર નવા શિખરો સર કરી રહ્યો છે. સેન્સેક્સ 154 પોઈન્ટ્સ સુધરી 46245ના સ્તરે બંધ રહ્યો હતો.
મીડ અને સ્મોલ-કેપ્સમાં આગેકૂચ જારી
લાર્જ-કેપ્સમાં ધીમા સુધારા વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં ઝંઝાવાત ચાલુ રહ્યો હતો. બીએસઈ ખાતે 1921 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1117 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. આમ માર્કેટ બ્રેડ્થ ખૂબ પોઝીટીવ હતી.
534 કંપનીઓ અપર સર્કિટ્સમાં બંધ રહી
મીડ અને સ્મોલ-કેપ્સમાં તેજી આક્રમક મોડમાં રહી હતી અને બીએસઈ ખાતે કુલ 3216 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 534 કાઉન્ટર્સ 5, 10 કે 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 301 કાઉન્ટર્સે 53-સપ્તાહની ટોચ દર્શાવી હતી.
પીએસઈ શેર્સમાં ખરીદી પાછળ તોફાન યથાવત
સોમવારે સ્મોલ-કેપ પીએસયૂ શેર્સ 20 ટકાની સર્કિટમાં બંધ જોવા મળ્યાં
જાહેર સાહસોની તેજી ત્રીજા સપ્તાહમાં પ્રવેશી હતી. આજે લાર્જ-કેપ્સમાં તો ખરીદી જળવાય જ હતી પરંતુ સ્મોલ-કેપ પીએસયૂ તરફ પણ બજારે નજર દોડાવી હતી અને તેઓ 20 ટકાના સર્કિટ બ્રેકરમાં બંધ રહેતાં જોવા મળ્યા હતાં. સેક્ટરલ ઈન્ડાઈસીસમાં નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ સૌથી વધુ ઉછળ્યો હતો. અગાઉના બંધની સરખામણીમાં તે 2.45 ટકા ઉછળી 2905 પર બંધ રહ્યો હતો.
માર્કેટે સોમવારે પણ નવી ટોચ દર્શાવી હતી અને મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જોવા મળતી હતી. જેમાં પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગના શેર્સમાં સાર્વત્રિક ખરીદી જોવા મળતી હતી. સરકારના કોપર સાહસ હિંદુસ્તાન કોપરના શેર ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 44.35ના બંધ સામે રૂ. 8.75ના સુધારે રૂ. 53.10 પર બંધ રહ્યો હતો. જ્યારે સરકારની ટ્રેડિંગ કંપની એમએમટીસીનો શેર 18 ટકા ઉછળીને બંધ આવ્યો હતો. જાહેર ક્ષેત્રના બેંકિંગ શેર્સમાં ઈન્ડિયન બેંકનો શેર 12 ટકા ઉછળ્યો હતો અને રૂ. 95.90 પર બંધ રહ્યો હતો. સરકારની ઓઈલ કંપની ઓઆઈએલનો શેર પણ 8 ટકા ઉછળ્યો હતો. જ્યારે જાહેર ક્ષેત્રના રિફાઈનર્સ ચેન્નાઈ પેટ્રો(6 ટકા), એમઆરપીએલ(6 ટકા), એનબીસીસી(5.4 ટકા), હિંદ પેટ્રો(5 ટકા), એનએમડીસી(5 ટકા) અને ઓએનજીસી(5 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. ઓએનજીસીનો શેર નવ મહિના બાદ રૂ. 100ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. રૂ. 51ના તળિયાથી તે 100 ટકા રિટર્ન સૂચવી રહ્યો છે. બેન્ચમાર્ક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં ઓએનજીસીએ સૌથી વધુ રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે સરકારી પાવર ઉત્પાદક એનટીપીસીનો શેર 2 ટકા ઉછળી રૂ. 104.60 પર બંધ રહ્યો હતો. જે સાથે કંપની ફરી એકવાર રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપ પર પરત ફરી છે.
જાહેર સાહસોનો સોમવારનો દેખાવ
સ્ક્રિપ વૃદ્ધિ(%)
હિંદ કોપર 20
એમએમટીસી 18
ઈન્ડિયન બેંક 12
ઓઆઈએલ 8
ચેન્નાઈ પેટ્રો 6
એમઆરપીએલ 6
એબીસીસી 5.4
હિંદ પેટ્રો 5
એનએમડીસી 5
ઓએનજીસી 5
પિરામલે ડીએચએફએલ માટે રૂ. 35500 કરોડની સૌથી ઊંચી બીડ કરી હોવાની શક્યતા
નાદાર બનેલી હાઉસિંગ ફાઈનાન્સ કંપની ડીએચએફએલ માટે પિરામલ એન્ટરપ્રાઈઝે સૌથી ઊંચી બીડ કરી હોવાનું જાણવા મળે છે. જાણકારોના મતે કંપનીએ રૂ. 35500 કરોડની બીડ કરી છે. જે અન્ય બે બીડર્સ અદાણી અને ઓકટ્રી કરતાં ઊંચી છે. ઓકટ્રીએ તેની અગાઉની ઓફરને 10 ટકા વધારીને રૂ. 34 હજાર કરોડ કરી હોવાનું જ્યારે અદાણીએ રૂ. 33 હજાર કરોડનું બીડીંગ કર્યું હોવાનું જાણવા મળે છે. અગાઉ પિરામલ એન્ટરપ્રાઈઝે માત્ર કંપનીની રિટેલ એસેટ માટે જ ઓફર કરી હતી. જોકે પાછળથી અદાણીએ ડીએચએફએલની તમામ એસેટ માટે સુધારેલી બીડ રજૂ કરતાં અન્ય બિડર્સે ઉઠાવેલા વાંધાને કારણે કમિટિ ઓફ ક્રેડિટર્સે ચોથી વાર બિડિંગ મંગાવ્યાં હતાં. જેમાં હોંગ કોંગ સ્થિત એસ સી લોવીએ સતત બદલાતી ક્રેડિટર્સની પોલિસીને કારણે બીડિંગમાં ભાર લેવાનું માંડી વાળ્યું હતું. વર્તુળો જણાવે છે કે ત્રણે બીડર્સે આખી કંપની ખરીદવા ઓફર કરી હતી. જે ઉપરાંત અદાણી અને પિરામલે રિટેલ અને ઈન્સ્ટીટ્યુશ્નલ એસેટ ખરીદવા માટે પણ બિડીંગ કર્યું હતું. જે બંને માટે કરવામાં આવેલી નવી ઓફર્સ અગાઉ કરતાં થોડી અલગ હોવાનું જાણવા મળે છે. ડીએચએફએલનો શેર 5 ટકાના ઘટાડે રૂ. 39.65ના સ્તરે બંધ રહ્યો હતો.
હાઉસહોલ્ડ એપ્લાયન્સિઝ કંપનીઓના શેર્સ નવી ટોચ પર
કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં તેજીનો ધોધ વહી રહ્યો છે. જેમાં આઈએફબી ઈન્ડસ્ટ્રીઝનો શેર અંતિમ આંઠ ટ્રેડિંગ સત્રોમાં 50 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. 3 ડિસેમ્બરે રૂ. 800ની આસપાસ ટ્રેડ થઈ રહેલો શેર સોમવારે રૂ. 1217ની ટોચ પર ટ્રેડ થયો હતો. સોમવારે તે અગાઉના બંધ સામે 16 ટકા અથવા રૂ. 170નો ઉછાળો દર્શાવી રહ્યો હતો. માર્ચ મહિનામાં રૂ. 233ના તળિયાથી તે લગભગ પાંચ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આ જ રીતે ડિક્સોન ટેક્નોલોજીનો શેર પણ વધુ 4 ટકા ઉછળી રૂ. 13400ની ટોચ પર ટ્રેડ થયો હતો.
એફએમસીજી કાઉન્ટર્સમાં સતત ખરીદી પાછળ નવી ટોચ
કન્ઝ્યૂમર સ્ટેપલ કંપનીઓમાં સતત ખરીદી જોવા મળી રહી છે. જેમાં નેસ્લે ઈન્ડિયા, મેરિકો ઈન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. સોમવારે નેસ્લેનો શેર 3 ટકાથી વધુ મજબૂતી સાથે 18689 પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અંતિમ કેટલાક સત્રોથી નવી ટોચ દર્શાવી રહ્યો છે. મેરિકો ઈન્ડ.નો શેર પણ દોઢ ટકાથી વધુના સુધારે રૂ. 420ની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 233ના માર્ચ મહિનાના તળિયાથી 80 ટકા જેટલું રિટર્ન આપી ચૂક્યો છે. આ બંને કાઉન્ટર ઉપરાંત ટૂથપેસ્ટ મેજર કોલગેટ પામોલિવ પણ મજબૂતી દર્શાવતો હતો. કોલગેટનો શેર 2.5 ટકાના સુધારે રૂ. 1615 પર બોલાયો હતો. જ્યારે જ્યુબિલિઅન્ટ ફૂડ્સે પણ રૂ. 2678ની નવી ટોચ દર્શાવી હતી.