માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે મજબૂતી વચ્ચે એશિયામાં મિશ્ર માહોલ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 86 પોઈન્ટ્સના સુધારે 29970ના તેના બીજા સર્વોચ્ચ લેવલ પર બંધ રહ્યો હતો. અગાઉ ગયા સપ્તાહે તેણે 30 હજારના સ્તર પર બંધ દર્શાવ્યું હતું.
કોરિયા, તાઈવાનમાં મજબૂતી, ચીન-જાપાન નરમ
એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 1.55 ટકાની મજબૂતી સાથે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. તાઈવાનનો ઈન્ડેક્સ પણ 0.92 ટકા મજબૂતી સૂચવી રહ્યો છે. જોકે ચીન અને જાપાનના બજારો 0.5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
સિંગાપુર નિફ્ટી 42 પોઈન્ટ્સના સુધારે 13245ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. કેશ નિફ્ટીએ ગુરુવારે 13217ની ટોચ દર્શાવી હતી. આજે એવુ જણાય છે કે માર્કેટ નવી ટોચ નોંધાવશે. અંતિમ બે ટ્રેડિંગ સત્રોથી માર્કેટ ઈન્ટ્રા-ડે કરેક્શન દર્શાવી સામાન્ય પોઝીટીવ બંધ આપી રહ્યો છે. આજે 13200ના સ્તરને નિર્ણાયક રીતે કૂદાવશે તો 13500નો ટાર્ગેટ છે.
ઓટો, મેટલ્સ, કન્ઝ્યૂમર સ્ટેપલ્સ પર ધ્યાન આપવું
ગુરુવારે મારુતિ સુઝુકીની આગેવાનીમાં ઓટોમોબાઈલ શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે ટુ-વ્હીલર્સ ઉત્પાદકો તેમાં નહોતો જોડાયા. તેઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ સારો સુધારો દર્શાવી ચૂક્યાં છે. હાલમાં મારુતિ લાઈમલાઈટમાં છે. ગુરુવારે તેણે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું છે. ટ્રેડર્સના રડાર પર મારુતિ જોવા મળશે.
મેટલ્સમાં સ્ટીલ શેર્સ ઓવરબોટ ઝોનમાં જોવા મળી રહ્યાં છે. હિંદાલ્કો અને નાલ્કોમાં પણ અંતિમ કેટલાક સત્રોમાં મજબૂતી જોવા મળી છે. આમ ખરીદવામાં ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવું .
પીએસયૂમાં બોટમ ફિશીંગ જળવાયુ
પીએસયૂ કાઉન્ટર્સ જેવાકે ઓએનજીસી, એનટીપીસી, ગેઈલ, આઈઓસી, સેઈલ વગેરેમાં અંતિમ કેટલાક સત્રોથી નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે. આ તમામ કાઉન્ટર્સ તાજેતરની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. આ કાઉન્ટર્સમાં ખરીદીમાં જોખમ ઓછું છે. એટલેકે રિસ્ક-રિવોર્ડ પોઝીટીવ છે. એકાદ નાના કરેક્શન્સ બાદ આ કાઉન્ટર્સ ફરી સુધારાના માર્ગે આગળ વધી શકે છે. મધ્યમથી લોંગ ટર્મ ખરીદવામાં નહિવત જોખમ જણાય છે.
બ્રેન્ટ ક્રૂડ 50 ડોલર પર પહોંચ્યું
ક્રૂડના ભાવમાં મજબૂતી ટકેલી છે. જે આર્થિક રિકવરીને સમર્થન કરી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 1.8 ટકા મજબૂતી સાથે 49.69 ડોલરની અંતિમ નવ મહિનાની ટોચ પર જોવા મળી રહ્યું છે. 50 ડોલર પાર થતાં ક્રૂડ 53-55 ડોલરની રેંજ પણ દર્શાવે તે સંભવ છે.
મહત્વની હેડલાઈન્સ
· બ્લૂમબર્ગે 30 ઈકોનોમિસ્ટના કરેલા સર્વે મુજબ આરબીઆઈ આજની તેની નાણાનીતિ સમીક્ષામાં રેપો રેટને 4 ટકા પર સ્થિર રાખશે.
· એચડીએફસી બેંક બાદ એસબીઆઈ યોનોને પણ ટેકનિકલ સમસ્યા નડી રહી છે.
· વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં 3640 કરોડ ડોલરની ખરીદી કરી હતી.
· સ્થાનિક ફંડ્સે ગુરુવારે 1440 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
· નાણાપ્રધાને જણાવ્યું છે કે ભારતનું બજેટ ગ્રોથને વેગ આપવા પર ભાર મૂકશે.
· માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્કસ રેઈટ 200 કરોડ ઊભા કરવા માટે વિચારણા કરશે.
· અલ્ટ્રાટેક સિમેન્ટ ક્ષમતા વિસ્તરણ માટે 5480 કરોડનું રોકાણ કરશે.