માર્કેટ સમરી
તહેવારોના ઉમંગ વચ્ચે નિફ્ટીમાં બેંકિંગ શેર્સના સપોર્ટથી મજબૂત બાઉન્સ જોવા મળ્યો હતો. ડાઉ ફ્યુચર્સમાં એક ટકાની મજબૂતી બાદ બેંક નિફ્ટી ઈન્ટ્રા-ડે તળિયાથી બેંક નિફ્ટી 3 ટકા સુધર્યો હતો. શોર્ટ કવરિંગ પાછળ આગામી દિવસોમાં વધુ સુધારાની સંભાવના છે. બેંક નિફ્ટી 28500ના સ્તર પર બ્રેક આઉટ દર્શાવી રહી છે. માર્કેટ બ્રેડ્થ પણ પોઝીટીવ છે અને તે તેજીવાળાઓના પક્ષમાં છે. બજારમાં સેક્ટરલ રોટેશન જોવા મળી રહ્યું છે. રોકાણકારોએ ક્વોલિટી અને મેગા કેપ્સ પર ધ્યાન રાખવાનું રહેશે
નિફ્ટી 12700 પર બીજીવાર બંધ રહ્યો
અગાઉ 12749ન સ્તરે બંધ આપ્યાં બાદ નિફ્ટી ફરી 12720 પર બંધ રહેવામાં સફળ રહ્યો છે. યુએસ બજાર પોઝીટીવ ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. જો તેઓ ટકી રહેશે તો મૂહૂર્ત દિવસે નિફ્ટી નવી ટોચ દર્શાવી શકે છે. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી નવેમ્બરમાં 13000ની સપાટી પણ દર્શાવી શકે છે.
ગ્રાસિમ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નવી ઊંચાઈ પર
સિમેન્ટ શેર્સમાં ધીમી ગતિએ સુધારો ચાલુ રહ્યો છે. શુક્રવારે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનો શેર 3 ટકાથી વધુના સુધારે રૂ. 848ના સ્તર પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર અગાઉના બંધભાવથી રૂ. 30થી વધુનો સુધારો દર્શાવતો હતો. માર્ચ મહિનાના રૂ. 380ના તળિયાથી તે 140 ટકા જેટલું વળતર સૂચવે છે. કંપનીનું માર્કેટ-કેપ પણ રૂ. 54478 કરોડ પર પહોંચ્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર પણ સાધારણ મજબૂતી સાથે રૂ. 4876ની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.4 લાખ કરોડ પર પહોંચ્યું હતું.
રાકેશ ઝૂનઝૂનવાલાએ શેર ખરીદતાં આઈબી રિઅલ એસ્ટેટ 14 ટકા ઉછળ્યો
રાકેશ ઝૂનઝૂનવાલાએ ગુરુવારે ઈન્ડિયુબુલ્સ રિઅલ એસ્ટેટમાં 50 લાખ શેર્સ ખરીદતાં શુક્રવારે કંપનીનો શેર ખૂલતામાં 14 ટકા ઉછળ્યો હતો. અગાઉના રૂ. 55.15ના બંધ ભાવ સામે શેર રૂ. 63.80ની સપાટીએ જોવા મળ્યો હતો. શેર લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર રહ્યો હતો. તેણે માર્ચ મહિનામાં રૂ. 36.85નું તળ્યું દર્શાવ્યું હતું.
એપોલો હોસ્પિટલ્સનો શેર 9 ટકા ઉછળ્યો
હોસ્પિટલ્સ ચેઈન એપોલો હોસ્પિટલ્સનો શેર 9 ટકા ઉછળ્યો હતો. અગાઉના રૂ. 2111ના બંધ ભાવ સામે રૂ. 200થી વધુના સુધારે તે રૂ. 2313ના ભાવે ટ્રેડ થયો હતો. કેટલાંક સત્રો અગાઉ જ કંપનીના શેરે રૂ. 2332ની તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે બીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષાથી નબળા રહેતાં શેરમાં વેચવાલી જોવા મળી હતી. જોકે એકાદ-બે દિવસની સુસ્તી બાદ શેરમાં ફરી ખરીદી જોવા મળી હતી.
સંવત 2076માં સોનું 32 ટકા સાથે વળતરમાં અવ્વલ રહ્યું
· એમસીએક્સ ગોલ્ડ સંવતની શરૂઆતમાં રૂ. 38293ના બંધ સામે શુક્રવારે ધનતેરસે રૂ. 50678 પર જોવા મળ્યું
· એક તબક્કે ઓગસ્ટમાં સોનું રૂ. 55000ની સપાટી કૂદાવી ગયું હતું
· ચાંદીએ પણ રૂ. 46520 પરથી 35 ટકા વળતર સાથે રૂ. 62828નો ભાવ દર્શાવ્યો
· ઓગસ્ટમાં ચાંદીએ પણ રૂ. 78000ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી
શુક્રવારે સંવત 2077નો અંતિમ ટ્રેડિંગ દિવસ હતો. જો મહત્વના એસેટ ક્લાસિસે સંવત દરમિયાન દર્શાવેલા વળતરની સરખામણી કરીએ તો સોનું મેદાન મારી ગયું હતું. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સોનું 32 ટકા રિટર્ન દર્શાવ્યું હતું અને સતત બીજા વર્ષે તેણે મુખ્ય હરિફ એવા ઈક્વિટીઝને પાછળ રાખી દીધું હતું. એમસીએક્સ ગોલ્ડ સંવત દરમિયાન રૂ. 38293ના ઓપનીંગ સ્તર સામે શુક્રવારે રૂ. 50678 પર ટ્રેડ થયું હતું. આમ 10 ગ્રામે તેણે રૂ. 12000થી વધુની વૃદ્ધિ દર્શાવી હતી. સફેદ ધાતુ એવી સિલ્વરે પણ વળતર આપવાની બાબતમાં ગોલ્ડને સમાંતર ચાલ દર્શાવી હતી અને 35 ટકાનું ચડિયાતું રિટર્ન આપ્યું હતું. એમસીએક્સ ચાંદી રૂ. 46520ના સ્તરેથી ઉછળી રૂ. 62828 પર ટ્રેડ થઈ હતી.
સંવત 2076માં એમસીએક્સ ગોલ્ડ-સિલ્વરનો દેખાવ
2075ના અંતે ભાવ 2076ના અંતે ભાવ વૃદ્ધિ(%)
સોનું 38293 50678 32
ચાંદી 46520 62828 35
(ભાવ રૂપિયામાં)
વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ-સિલ્વરનો દેખાવ
સોનું 1500 1880 25
ચાંદી 17.74 24.31 37
(ભાવ ડોલરમાં પ્રતિ ટ્રૌય ઓંસ)