માર્કટ સમરી
નિફ્ટી 170 પોઈન્ટ્સ ઉછળી 12631 પર બંધ આવ્યો. અંતિમ 1000 પોઈન્ટ્સનો સુધારો માત્ર સાત ટ્રેડિંગ સત્રોમાં જોવા મળ્યો છે. જે સૂચવે છે કે માર્કેટ પર બુલ્સની મજબૂત પકડ જોવા મળે છે. મંગળવારે ગેપ-અપ ઓપનીંગ બાદ બે બાજુની વધ-ઘટ વચ્ચે બજારે ઈન્ટ્રા-ડે નવી ટોચ દર્શાવી હતી. જે શોર્ટ સેલર્સે તેમની પોઝીશનને કવર કરવા મૂકેલી દોટ દર્શાવે છે. બજારને 12700નો અવરોધ છે અને આ આગામી સત્રોમાં તે એક કરેકશન દર્શાવી શકે છે.
પ્રોફિટ બુકિંગનો યોગ્ય સમય
જે ટ્રેડર્સ નીચા ભાવે ખરીદેલી પોઝીશન ધરાવે છે. તેમણે વર્તમાન ભાવે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. કેમકે બજાર ટૂંકાગાળા માટે ઓવરબોટ ઝોનમાં છે. ઉપરાંત નિફ્ટીએ અંતિમ 1000 પોઈન્ટ્સના ઉછાળા દરમિયાન ચાર ગેપ ઊભાં કર્યાં છે. જે પૂરવા માટે બજાર પરત જઈ શકે છે. હાલમાં જૂના લોંગ પર પ્રોફિટ બુક કરવો જોઈએ. જ્યારે નવું લોંગ ચુસ્ત સ્ટોપલોસ સાથે જ ઊભું કરવું જોઈએ.
ડાઉ ફ્યુચર 82 પોઈન્ટ્સ સાથે સાધારણ મજબૂત
ડાઉ ફ્યુચર સમગ્ર દિવસ દરમિયાન 100-150 પોઈન્ટ્સની મજબૂતી સાથે જોવા મળ્યો છે. સાંજે તે 82 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવી રહ્યો છે. ડાઉ જોન્સ ઈન્ડ. એવરેજ નવા ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને તેથી વધુ સુધારાની શક્યતા રહેલી છે.
માર્કેટ ઓલ-ટાઈમ હાઈ પર છતાં માર્કેટ-બ્રેડ્થ નરમ
મંગળવારે બજાર સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું ત્યારે બીજી બાજુ મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં લેવાલીનો અભાવ જોવા મળતો હતો. બીએસઈ ખાતે 1384 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ ભાવ સામે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. જ્યારે 1175 કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળતી હતી. આમ લાર્જ-કેપ્સમાં જોવા મળતાં મોમેન્ટમનો બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં સદંતર અભાવ જોવા મળતો હતો. નિફ્ટી ટોચ પર છે ત્યારે મીડ અને સ્મોલ કેપ્સમાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળતું હતું એમ કહી શકાય.
અલ્ટ્રા-ટેક, જેકે સિમેન્ટનો શેર નવી ટોચ પર
સિમેન્ટ શેર્સમાં મજબૂતી જળવાઈ છે. બિરલા જૂથની અલ્ટ્રા-ટેક સિમેન્ટનો શેર 3.5 ટકાના સુધારે રૂ. 4784ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર માર્ચ મહિનાના તેના રૂ. 2900ના તળિયાથી સુધરતો રહ્યો છે. હાલમાં કંપની રૂ. 1.36 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે દેશની ટોચની 30 કંપનીઓમાં સ્થાન પામે છે. જેકે સિમેન્ટનો શેર પણ રૂ. 2001ની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 800ના તળિયાથી સતત સુધરતો રહ્યો છે. કંપની રૂ. 15000નું માર્કેટ-કેપ દર્શાવી રહી છે.
ગ્લેન્ડ ફાર્મા લિસ્ટીંગ સાથે જ ટોપ-10 ફાર્મા કંપની બનશે
કેપિટલ માર્કેટમાં પ્રથમવાર રૂ. 6000 કરોડના મેગા ઈસ્યુ સાથે પ્રવેશનાર ફાર્મા કંપની ગ્લેન્ડ ફાર્મા આઈપીઓના ઓફર ભાવે જ ટોચની 10 ફાર્મા કંપનીઓમાં સ્થાન મેળવી રહી છે. કંપનીના રૂ. 1500 પ્રતિ શેરના અપર બેન્ડ ઓફર ભાવે ગણીએ તો તેનું માર્કેટ-કેપ રૂ. 25500 કરોડ જેટલું બેસે છે. કંપનીના લિસ્ટીંગ પ્રિમીયમ પર તેમાં ઓર વૃદ્ધિ થશે અને આટલા ઊંચા માર્કેટ-કેપ સાથે બજારમાં પ્રવેશનાર તે પ્રથમ ફાર્મા કંપની બનશે. કંપનીએ શનિવારે એન્કર ઈન્વેસ્ટર્સ મારફતે રૂ. 1943 કરોડ ઊભા કર્યાં હતાં.