મીડ ડે માર્કેટ
ભારતીય બજાર નવી ટોચ દર્શાવીને કોન્સોલિડેટ થઈ રહ્યું છે. સેન્ટીમેન્ટ ખૂબ બુલીશ છે. નિફ્ટીએ 12451ની તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી છે. બંધની રીતે બેન્ચમાર્ક નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતા છે. હાલમાં નિફ્ટી 12380ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 17 જાન્યુઆરીએ 12353નું સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું.
માર્ચના 7510ના તળિયાથી નિફ્ટી 12451 સુધી 66 ટકા સુધર્યો
નિફ્ટીએ સાત મહિનામાં 66 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો છે. જે અત્યાર સુધીમાં તેણે દર્શાવેલી સૌથી ઝડપી તેજી છે. નિફ્ટ 23 માર્ચે 7510ના સ્તર પર ટ્રેડ થયો હતો અને 9 નવેમ્બરે તેણે 12451ની ટોચ નોંધાવી હતી. અગાઉ માર્ચ 2009થી નવેમ્બર 2010 સુધીમાં નિફ્ટીએ આવો મોટો ઉછાળો દર્શાવ્યો હતો.
બેંકિંગ, ટેલિકોમ, પીએસયૂનો સપોર્ટ
સોમવારે બજારને મુખ્ય સપોર્ટ બેંકિંગ, ટેલિકોમ અને પીએસૂય તરફથી સાંપડ્યો છે. સેન્સેક્સના 30માંથી 6 કાઉન્ટર્સને બાદ કરતાં અન્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં ભારતી એરટેલ, આઈસીઆસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એનટીપીસી, ઈન્ફોસિસ 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ચીનના બજારમાં 2 ટકાનો ઉછાળો
ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈટેનના વિજયને ચીનનું શેરબજાર પણ મનાવી રહ્યું છે. શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 1.9 ટકા વૃદ્ધિ સાથે 3374ની છેલ્લા બે મહિનાની ટોચ દર્શાવી રહ્યો છે. આ સિવાય જાપાનનો નિક્કાઈ પણ ટકાથી વધુ સુધારો દર્શાવે છે. કોરિયા, હેંગસેંગ, તાઈવાનના બજારો પણ એક ટકાથી વધુની મજબૂતી દર્શાવે છે.
મીડ-કેપ્સમાં મજબૂતી
એ જૂથમાં જેએન્ડકે બેંક, ક્રેડિટએક્સેસ ગ્રામીણ, એયૂ બેંક, રેડિંગ્ટન, વેંકિઝ, સુપ્રાજિત, જસ્ટ ડાયલ, વીટીએલ, જીઈપીઆઈએલ, ઈન્ડિગો, એચડીએફસી એએમસી વગેરેમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ છે. જોકે સુધારનારા શેર્સ 1353 અને ઘટનાર શેર્સની સંખ્યા 1198 જેટલી છે. એટલેકે બીજી અને ત્રીજી હરોળમાં ખરીદીનો ઉન્માદ જોવા મળતો નથી. જે સારો સંકેત છે. માર્કેટ સાવચેતી સાથે આગળ વધી રહ્યું છે.