માર્કેટ ઓપનીંગ
યુએસ બજારો મજબૂત બંધ આવતાં એશિયન બજારોમાં તાઈવાનને બાદ કરતાં મજબૂતી જોવા મળી રહી છે. હેંગ સેંગ 2.25 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. ચીન, જાપાન, કોરિયા, સિંગાપુર, ઈન્ડોનેશિયા સહિતના બજારોમાં 2 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે.
એસજીએક્સ નિફ્ટી
એસજીએક્સ નિફ્ટી 12000ના મહત્વના સીમાચિહ્ન પર ગેપ-અપ ઓનપીંગની શક્યતા સૂચવી રહ્યો છે. તે 158 પોઈન્ટ્સના સુધારે 12066 પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે રાતે તે 12100ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે યુએસ બજારોમાં ઈન્ટ્રા-ડે ટોચથી કરેક્શન બાદ સુધારાનો કેટલોક અંશ ધોવાયો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 1.34 ટકા અથવા 368 પોઈન્ટ્સ સુધર્યો હતો. જ્યારે નાસ્ડેક 3.85 ટકા અથવા 430 પોઈન્ટ્સ ઉછળ્યો હતો.
યુએસ પ્રમુખ તરીકે બિડેન લગભગ નિશ્ચિત
યુએસ પ્રમુખ તરીકે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને 264 ઈલેક્ટોરેલ વોટ્સ મેળવી લીધાં છે અને તેઓ બહુમતી માટે જરૂરી 270ના આંકથી માત્ર 6 વોટ્સ દૂર છે. વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 214 ઈલેક્ટોરલ વોટ્સ મેળવી ચૂક્યાં છે. હજુ પાંચ રાજ્યોમાં પરિણામો જાહેર થયાં નથી. જેમાં જ્યોર્જિયા, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા અને એરિઝોનાનો સમાવેશ થાય છે. આમાંથી નેવાડા અને એરિઝોનામાં બિડેનની બહુમતી જોવા મળે છે. નેવાડાના છ ઈલેક્ટોરલ વોટ્સ પણ બિડેનને મળી જશે તો તેઓ 270ના આંકને હાંસલ કરશે. એરિઝોના પાસે 11 ઈલેક્ટોરલ વોટ્સ છે. દરમિયાનમાં ટ્રમ્પે પેન્સિલવેનિયા સહિતના રાજ્યોમાં મતદાન અટકાવવા માટે કોર્ટમાં રજૂઆત કરી છે. આમ યુએસ પ્રમુખની ચૂંટણી 20 વર્ષ બાદ ફરીવાર વિવાદાસ્પદ બનવા જઈ રહી છે. અગાઉ 2000ની સાલમાં ચૂંટણીના પરિણામ નક્કી કરવામાં 37 દિવસનો સમય લાગ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
· 24 ફેબ્રુઆરી સુધી લોકલ એરલાઈન્સની ક્ષમતા 60 ટકાની મર્યાદામાં સુધી જાળવી રાખવામાં આવશે.
· 80 ટકા ભારતીય કંપનીઓ 2020-21માં કર્મચારીઓના વેતનમાં ગયા વર્ષ કરતાં વધુ સારી શક્યતા જોઈ રહી છે.
· હિંદુસ્તાન પેટ્રોલિયમ 2021-22માં એમઆરપીએલ સાથે ઈન્ટિગ્રેશનની અપેક્ષા રાખે છે.
· એચપીસીએલ ઓપન માર્કેટમાંથી રૂ. 250 પ્રતિ શેરના ભાવે મહત્તમ 10 કરોડ શેર્સની ખરીદી કરશે. કંપની રૂ. 2500 કરોડના ખર્ચે કુલ 6.56 ટકા હિસ્સો ખરીદશે.
· અદાણી એન્ટરપ્રાઈઝનું આગામી પાંચ વર્ષમાં 50 હજાર કરોડના કેપેક્સનું આયોજન.
· હિંદુસ્તાન પેટ્રોલિયમે બીજા ક્વાર્ટરમાં 2480 કરોડનો નફો નોંધાવ્યો હતો.
· એલએન્ડટી ફાઈનાન્સ ઈક્વિટી અથવા બોન્ડ્સ મારફતે નાણા ઊભા કરવા માટે 9 નવેમ્બરે વિચારણા કરશે.