બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ 23442ની નવી ટોચ દર્શાવીઃ માર્કેટમાં ખરીદીની મોસમ જળવાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ગગડી 14.38ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં મજબૂતી યથાવત
પીએસયૂ બેંક્સ, પીએસઈ, મેટલ, ફાર્મામાં મજબૂતી
ઓટો, એફએમસીજી, રિઅલ્ટીમાં નરમાઈ
એલીકોન એન્જી., સનટેક રિઅલ્ટી, નિપ્પોન, એલઆઈસી હાઉસિંગ નવી ટોચે
ભારતીય શેરબજારમાં મજબૂતીનો ક્રમ બુધવારે પણ જળવાયો હતો. બેન્ચમાર્ક નિફ્ટી તેની નવી ટોચ બનાવી થોડો પરત ફર્યો પરંતુ તેણે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 150 પોઈન્ટ્સ મજબૂતી સાથે 76607ની સપાટીએ જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 23323ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ 3991 કાઉન્ટર્સમાંથી 2554 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1336 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. 250 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે 52-સપ્તાહનું લો દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.6 ટકા ગગડી 14.38ના સ્તરે બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 23344ની સપાટીએ ખૂલ્યાં પછી ઈન્ટ્રા-ડે 23442ની નવી ટોચ બનાવી 23300 પર બંધ દર્શાવતો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 37 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 23360 પર બંધ રહ્યો હતો. બેન્ચમાર્કને નજીકમાં 23000નો મહત્વનો સાઈકોલોજિકલ સપોર્ટ છે. જેના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશ જાળવી શકાય.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મહત્વના કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈશર મોટર્સ, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા, શ્રીરામ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, અલ્ટ્રાટેકસિમેન્ટ, બીપીસીએલ, એપોલો હોસ્પિટલ, એલટીઆઈમાઈન્ડટ્રી, બજાજ ઓટો, લાર્સન, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એમએન્ડએમ, બ્રિટાનિયા, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, ટાઈટન કંપની, ઈન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, ટીસીએસમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવ પર નજર નાખીએ તો પીએસયૂ બેંક્સ, પીએસઈ, મેટલ, ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ઓટો, એફએમસીજી, રિઅલ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક 1.2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, યૂકો બેંક, આઈઓબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, પીએનબી, જેકે બેંકમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 1.9 ટકા ઉછળ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ 1.4 ટકા પોઝીટીવ જોવા મળ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી એફએમસીજી 0.5 ટકા ઘટાડો સૂચવતો હતો. નિફ્ટી આઈટી અને રિઅલ્ટી પણ નેગેટિવ બંધ જોવા મળતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એલઆઈસી હાઉસિંગ 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, કોન્કોર, એચડીએફસી એએમસી, અંબુજા સિમેન્ટ્સ, ફેડરલ બેંક, ઓરેકલ ફાઈ., બલરામપૂર ચીની, એલએન્ડટી ફાઈનાન્સ, સન ટીવી નેટવર્ક, બેંક ઓફ બરોડા, એનએમડીસી, કમિન્સ, પિરામલ એન્ટર., આઈઈએક્સ સીજી કન્ઝ્યૂમર, કોલ ઈન્ડિયામાં ભારે ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, પિડિલાઈડ ઈન્ડસ્ટ્રીઝ, મેરિકો, મેટ્રોપોલીસ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ડો. લાલ પેથલેબ, એમએન્ડએમ, ઈન્ડસ ટાવર્સ, બાયોકોન, ઈન્ટરગ્લોબ એવિએશનમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવતાં કાઉન્ટર્સમાં એલીકોન એન્જી., સનટેક રિઅલ્ટી, નિપ્પોન, જ્યુપિયર વેગન્સ, સીએએમએસ, એલઆઈસી હાઉસિંગ ફાઈ., ફેડરલ બેંક, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, સન ટીવી નેટવર્ક, આવાસ ફાઈનાન્સિયર, વર્ધમાન ટેક્સટાઈલનો સમાવેશ થતો હતો.
મે મહિનામાં રિટેલ ફુગાવો 4.75 ટકા પર 12-મહિનાના તળિયે જોવાયો
એપ્રિલમાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ 4.83 ટકા પર નોંધાયો હતો
દેશમાં રિટેલ ઈન્ફ્લેશનમાં રાહતના સમાચાર છે. મે મહિનામાં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન 4.75 ટકાની સપાટીએ જોવા મળ્યું હતું. જે 12-મહિનાનું તળિયું હતું એમ આંકડાકીય વિભાગનો ડેટા સૂચવે છે. એપ્રિલમાં રિટેલ ઈન્ફ્લેશન 4.83 ટકા પર જોવા મળ્યું હતું.
ગયા સપ્તાહે મળેલી મોનેટરી પોલિસી સમીક્ષામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણા વર્ષ 2024-25 માટે 4.5 ટકાના ઈન્ફ્લેશનનો અંદાજ બાંધ્યો હતો. જોકે, સાથે ઉમેર્યું હતું કે ખાદ્ય પદાર્થોના ભાવ એક ચિંતાનો વિષય બની રહેશે.
માઈનીંગ, પાવર સેક્ટરના સારા દેખાવ પાછળ એપ્રિલ IIP 5 ટકા પર નોંધાયો
એપ્રિલ-2023માં ઔદ્યોગિક ઉત્પાદન આંક 4.6 ટકા પર જોવા મળતો હતો
ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં એપ્રિલ-2024માં 5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. માઈનીંગ અને પાવર ક્ષેત્રો તરફથી સારા દેખાવ પાછળ આમ બન્યું હોવાનું સત્તાવાર ડેટા સૂચવે છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન(IIP) સ્વરૂપમાં માપવામાં આવતો ફેક્ટરી આઉટપૂટ માપદંડ એપ્રિલ-2023માં 4.6 ટકા પર જોવા મળતો હતો.
નેશનલ સ્ટેસ્ટેસ્ટીકલ ઓફિસ(એનએસઓ) તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ એપ્રિલ 2024માં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરનું આઉટપૂટ 3.9 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જે વર્ષ અગાઉના સમયગાળામાં 5.5 ટકા પર હતું. એપ્રિલમાં માઈનીંગ પ્રોડક્શન વધી 6.7 ટકા પર નોંધાયું હતું. જ્યારે પાવર ઉત્પાદન 10.2 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.
PLI સ્કિમ ચાર વર્ષમાં રૂ. 3-4 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ લાવી શકેઃ ઈકરા
પીએલઆઈ સ્કિમ આગામી ચાર વર્ષોમાં રૂ. 3-4 લાખ કરોડનું રોકાણ આકર્ષે તેવી અપેક્ષા છે. જ્યારે તે કુલ 2 લાખ જોબ્સનું સર્જન કરશે એમ માનવામાં આવે છે. આમાં સેમીકંડક્ટર, સોલાર મોડ્યુલ અને ફાર્માસ્યુટીકલ ઈન્ટરમિડિયરીઝ જેવા સેક્ટર્સનો સમાવેશ થાય છે એમ રેટિંગ એજન્સી ઈકરાના ટોચના અધિકારી જણાવે છે.
ઈકરાના એક્ઝિક્યૂટીવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ રેટિંગ્સ ઓફિસર કે રવિચંદ્રનના મતે પ્રાઈવેટ સેક્ટરમાં મૂડી ખર્ચ શરૂ થઈ રહ્યો છે. જેમાં ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ એન્ડ માઈનીંગ, હોસ્પિટલ્સ, હેલ્થકેર અને સિમેન્ટ સેક્ટર્સનો સમાવેશ થાય છે. જોકે, પ્રાઈવેટ સેક્ટરના કેપેક્સને વિક્રમી લેવલે લઈ જવા માટે સરકારે કેટલીક ટેક્સ રાહતો આપવી પડશે. જેથી લોકો પાસે હાથ પર વધુ ખર્ચશક્તિ જોવા મળે.
2021માં 14 સેક્ટર્સ માટે પીએલઆઈ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં ટેલિકોમ્યુનિકેશન, વ્હાઈટ ગુડ્ઝ, ટેક્સટાઈલ, મેડિકલ ડિવાઈસિસ, ઓટોમોબાઈલ્સ, સ્પેશ્યાલિટી સ્ટીલ, ફૂડ પ્રોડક્ટ્સ, હાઈ-એફિશ્યન્સિ સોલાર પીવી મોડ્યૂલ્સ, એડવાન્સ્ડ કેમેસ્ટ્રી સેલ બેટરીઝ, ડ્રોન્સ અને ફાર્મા મેન્યૂફેક્ચરિંગ વગેરેનો સમાવેશ થતો હતો. આ માટે રૂ. 1.97 લાખ કરોડનું નાણાકિય સહાય કદ જાહેર કરાયું હતું.
નવેમ્બર, 2023 સુધીમાં પીએલઆઈ સ્કિમ્સ હેઠળ રૂ. 1.03 લાખ કરોડનું રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે 6.78 લાખનું રોજગારી સર્જન થયું હતું. ઈકરાના મતે સરકાર જાહેર ક્ષેત્ર માટે નિર્ધારિત રૂ. 11.11 લાખ કરોડના મૂડી ખર્ચમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતાં નથી. સરકારનું કેપેક્સ છેલ્લાં પાંચ વર્ષોમાં બમણાથી વધુ વધ્યું છે. 2020-21માં રૂ. 4.39 લાખ કરોડ પરથી 2024-25માં તે રૂ. 11 લાખ કરોડને પાર કરી ગયું છે.
June 12, 2024