ચાર રાજ્યો ની વિધાનસભા ની ચુંટણી ના પરિણામો જાહેર થતા જ શેરબજાર પાંચ વર્ષ રાહ જોવડાવ્યા બાદ નવા હાઈ પર ખુલ્યું. પરંતુ રોકાણકારો માટે એ આનંદ ક્ષણજીવી નીકળ્યો. પહેલી પંદર જ મિનીટ માં બજાર ટોપ-આઉટ થઇ ગયું અને તે પછી આખા અઠવાડિયા દરમ્યાન ઘટતું રહ્યું છે. ગયા અઠવાડિયા ની બજાર ની ચાલ પર નજર કરીએ તો બજાર આગલા દિવસ ના હાઈ ને તો છોડો, નીચા ભાવો ને પણ માંડ સ્પર્શી શક્યું. રોજે રોજ ગેપ-ડાઉન ઓપનીંગ રહ્યા અને નિફ્ટી તેમજ સેન્સેક્સ ખુલ્યા ભાવો થી નીચે જ બંધ રહ્યા. આગલા અઠવાડિયા ના મોટા ગેપ-અપ ઓપનીંગ ને લીધે નિફ્ટી આંક આમ તો માંડ સવા ટકા જેટલો ઘટી ને સાપ્તાહિક દ્રષ્ટીએ બંધ રહ્યો હતો, પરંતુ ખુલ્યા સ્તર અને બંધ ને ગણતરી માં લઇએ તો ત્રણ ટકા થી પણ વધારે નો ઘટાડો નોધાયો. બીજું કે નિફ્ટી ના અત્યાર સુધી ના ટ્રેન્ડ ને નજર સમક્ષ રાખીએ તો જયારે – જયારે સાપ્તાહિક ખુલ્યા ભાવો થી જ વેચવાલી શરુ થઇ હોય અને નિફ્ટી બે ટકા થી વધારે ઘટી હોય, તો બીજા એક-બે અઠવાડિયા સુધી આવી વેચવાલી જોવાતી રહી છે. આમ છતાં અહી નોધવા જેવી બે બાબતો છે. એક તો નિફ્ટી સ્પોટ હજી સુધી તેના ૬૧૫૦ ના મહત્વ ના ટેકા ને જાળવી રાખવા માં સફળ રહ્યું છે. બીજું ગ્લોબલ પરિબળો.
છેલ્લા પંદરેક અઠવાડિયા થી યુએસ સ્પોટ માં સોના-ચાંદી માં સતત વેચવાલી જળવાયેલી છે અને બન્ને કીમતી ધાતુઓ ત્રણ વર્ષ ના નીચા સ્તરો પર છે. સામે અમેરિકા નો ડોલર ઇન્ડેક્સ પણ ૨૦૦ અઠવાડિયા ની એક્ષ્પોનેન્શિય્લ એવરેજ ની નીચે જળવાયેલો છે. ડોલર ઇન્ડેક્સ માં આશરે ચાલીસ ટકા જેટલું વેટેજ ધરવતા યુરો માં વીકલી ચાર્ટ પર ફ્લેગ પેટર્ન બની છે અને યુરો હજી પણ સુધારા તરફી જ છે. યુરો સુધારા તરફી હોઈ, ડોલર ઇન્ડેક્સ માં નરમી જળવાવા ની શક્યતાઓ અકબંધ છે. ગયા અઠવાડિયે છેલ્લા બે દિવસો માં બજાર માં જે ઘટાડો જોવાયો, તે મુખ્યત્વે રૂપિયા ના ઘસારા ને આભારી કહી શકાય. મોઘવારી દર વધે એટલે બીજા શબ્દો માં કહીએ તો રૂપિયા ની ખરીદ-ક્ષમતા ઘટે અને રૂપિયો અન્ય કરન્સીઓ સામે ઘસાય કે પછી ભારત ના ઔદ્યોગિક ઉત્પાદન માં ઘટાડો નોધાય, નિકાસો ઘટવા ના અંદાજો સામે આવે કે બીજું કોઈ પરીબળ હોય, ટુંકમાં, રૂપિયો ઘસાયો અને બજારો માં નરમી રહી.
હવે જયારે અમેરિકા જ ફોર્સ-શટ ડાઉન નો સામનો કરી ચુક્યું હોય, અમેરિકા નું અર્થતંત્ર બોન્ડ ખરીદી કે નાણાં નો પ્રવાહ વધારવા ની લીક્વીડીટી ની થીયરી થી ટકેલું હોય, તેમની જાહેર દેવાની મર્યાદાઓ પૂરી થઇ ચુકી હોય, કીમતી ધાતુઓ માં પણ વેચવાલી જોવાય, અન્ય મુખ્ય કરન્સી યુરો માં સુધારો અકબંધ રહે, એવા સંજોગો માં યુએસ ફેડ ને અગર કોઈ નિર્ણય પર પહોચવાનું હોય તો આવા નિર્ણયો માં કોઈ નવીનતા ન હોય એ જ નવાઈ કહેવાય. આથી યુએસ ફેડ ની કોઈક જાહેરાત બજારો માં આશ્ચર્ય સર્જી શકે છે. અહી નોધવા જેવી બાબત એ છે કે આ આશ્ચર્ય ભારત કે અન્ય વિકાસશીલ દેશો માટે તો મહ્દઅંશે સુખદ જ રહેવાનું.
અગર રીઝર્વ બેંક ની પોલીસી ની વાત કરીએ તો પણ હાલ માં મોટાભાગ ના નિષ્ણાતો નો મત છે કે ઊંચા મોઘવારી દર ને લીધે આ વખતે રીઝર્વ બેંક વ્યાજદરો વધારી શકે છે. આવું માનવા ની એક થીયરી એ છે કે જયારે વ્યાજદર ઘટે તો હાઉસિંગ કે અન્ય મોટા રોકાણો, ખરીદી ના નિર્ણયો જે ખરીદકર્તાઓ એ ભવિષ્ય પર મુલતવી રાખ્યા હોય, તે ખરીદી શરુ થતા મોઘવારી વધુ ઝડપ થી વધે. પરંતુ, અગર વાસ્તવિક પરિસ્થિતિ તરફ નજર કરીએ તો હાલ માં મોઘવારી ચરમસીમાએ હોઈ, ઉત્પાદનો વધારવા માટે અને ઈનપુટ કોસ્ટ નીચી લાવવા માટે પણ વ્યાજદરો ઘટાડવા જરૂરી બની ગયા છે. આ સંજોગો જોતા રીઝર્વ બેંક ની પોલીસી માં પણ કોઈક સુખદ આશ્ચર્ય જરૂર હોઈ શકે.